•શિક્ષક ધારે તો બોરિંગ લાગતા વિષયને પણ અનોખી સ્ટાઇલથી બનાવી વિષયને એટલી હદે રસપ્રદ બનાવી શકે છે
અંબાજી, 23 ફેબ્રુઆરી (હિ. સ). શિક્ષક ક્યારેય સાધારણ નથી હોતો.......આ ઉક્તિ એટલા માટે બોલાય છે કે જો શિક્ષક ધારે તો બોરિંગ લાગતા વિષયને પણ અનોખી સ્ટાઇલથી બનાવી વિષયને એટલી હદે રસપ્રદ બનાવી શકે છે કે, જે વિષયમાં બાળકોને 50 ટકા માર્ક્સ પણ નાં આવતા હોય તે વિષયમાં બાળકો 95થી 100 ટકા માર્કસ મેળવતા થઈ જાય છે. જી હા ! એક કાલ્પનિક વાર્તા જેવી લાગતી આ કહાની બનાસકાંઠાની ચાંગા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાએ વાસ્તવિક જીવનમાં ચરિતાર્થ કરી બતાવી છે..
આપની ટીવી સ્ક્રીન પર આપ જે જોઈ રહ્યા છો કે તે કોઈ ઐતિહાસિક સ્થળોની ઝાંખી કરાવતું એકઝીબિશન નથી પરંતુ આ છે અનોખી પ્રયોગ શાળા.. જી હા ! આપે બરાબર જ સાંભળ્યું.. આ પ્રયોગશાળા છે તે પણ સાયન્સની નહિ પણ સોશિયલ સાયન્સની. અહી બાળકો પ્લે કાર્ડ,મેજિક કાર્ડ,સાંપ સીડી , પાંસા જેવી અનેક વિધ રમતો રમતાં ધોરણ 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાનનાં આખા સિલેબસને સરળતાથી યાદ કરી લે છે.. શિક્ષિકા પન્હાજબેનની બાળકોને ભણાવવાની સ્ટાઈલ પણ અન્ય શિક્ષકો કરતા કંઈક અલગ જ છે.કાણોદર ગામના વતની અને ચાંગા સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પન્હાઝબેન મૂળ સામાજિક વિજ્ઞાન વિષયના શિક્ષક છે. તેઓએ વર્ષોના પોતાના ટિચિંગ અનુભવ પરથી તારણ કાઢ્યું કે , સામાજિક વિજ્ઞાનમાં ઐતિહાસિક ઘટનાઓની તારીખો, મહાનુભાવોના નામો, નકશાઓ, કલાકૃતિઓ ,જુદી જુદી સંસ્કૃતિઓ આ બધું જ ધોરણ 6 થી 8 નાં બાળકોને યાદ રાખવું અઘરું પડતું હતું. જેના કારણે તેમના સામાજિક વિજ્ઞાનનાં વિષયમાં બાળકોને ઓછી રુચિ પડતી હતી. વર્ગખંડમાં હાજરી પણ 70 થી 75 ટકા જ રહેતી હતી અને તેમના વિષયનું પરિણામ પણ 50 ટકાથી ઉપર જતું નહોતું. તેથી પન્હાઝબેને ધોરણ 6 થી 8 નાં સામાજિક વિજ્ઞાનનાં આખે આખા સિલેબસને જુદી જુદી રમતોમાં વિભાજીત કરી વિષયને એકદમ રસપ્રદ બનાવી દિધો. તેના માટે તેમણે પોતાના આખા વર્ગખંડને પ્રયોગશાળામાં ફેરવી દિધો. પરિણામે આજે બાળકો ક્લાસમાં સાંપ સીડી, પાસા, મેજિક બોક્સ, પ્લે કાર્ડ અને નકશાની રમત જેવી અનેકવિધ ગેમ્સ રમી ચિત્રો દ્વારા બધું જ સરળતાથી યાદ રાખવા લાગ્યા છે.
શિક્ષિકા પન્હાજબેન પોલરા પોતાના શાળા સમય બાદ ઘરે દરેક પાઠને સરળતાથી કઈ રીતે ભણાવી શકાય તેવી વિશેષ તૈયારી કરે છે અને વર્ષ 2020થી તેઓએ દર મહિને પોતાના પગારમાંથી 10 થી 15 હજાર રૂપિયા ખર્ચી કુલ 3 લાખ રૂપિયાના માતબર ખર્ચે આ આખી પ્રયોગશાળા ઊભી કરી છે. પન્હાજબેનનું કહેવું છે કે, નવી શિક્ષા નીતિ 2020માં પ્રવૃતિમય શિક્ષણ પણ વિશેષ ભાર અપાયું છે. તેથી અમે આ પ્રોગશશાળા શિક્ષા નીતિને અનુરૂપ બનાવી સામાજિક વિજ્ઞાન વિષયને એટલો રસપ્રદ બનાવી દિધો છે કે મારા વર્ગનું પરિણામ પાંચ વર્ષોમાં 50 ટકાથી વધી ને 80 ટકા જેટલું થઈ ગયું છે. બાળકોમાં ગોખણ શક્તિ નહિ પણ સમજણ શક્તિ ખીલે તે માટે શિક્ષિકા પન્હાઝબેન પોલરાએ જે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે તે માટે તેમને બેસ્ટ ટીચર નો એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. આ અંગે અન્ય શિક્ષકનું કહેવું છે કે, પન્હાઝબેનનું બાળકો પ્રત્યેનું સમર્પણભાવ અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણાદાઈ છે. શાળાના બાળકોના અભ્યાસને લઈને જાગૃત શિક્ષિકાના અનોખા પ્રયોગને લઈને બાળકોની અભ્યાસ પ્રતેયની રુચિ વધતા બાળકોનું શિક્ષણ સુધરતા વિદ્યાર્થીઓના વાલીઓ અને ગ્રામજનો આ શિક્ષિકાને ખરા અર્થમાં વિદ્યાર્થીઓનું ઘડતર કરનાર શિક્ષિકા માની રહ્યા છે. એક તરફ રાજ્યમાં અનેકવાર સરકારી શાળાઓમાં મળતાં શિક્ષણ પર સવાલો ઉઠતાં હોય છે તો બીજી તરફ આજ ગુજરાતમાં પન્હાજબેન જેવા એવા પણ ગુરુજનો છે જે સાચા અર્થમાં શિક્ષણની ઘુણી ધખાવી એ સાબિત કરી બતાવ્યું છે કે જો શિક્ષક ધારે તો શાળાના પરિણામમાં ક્રાંતિકારી સુધારો ચોક્કસ આવી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ