- અમૃતસરથી વડોદરા આવેલા 18 માછીમારોની મુક્તિ થતાં તેમના પરિવારજનોમાં આનંદ
વડોદરા/અમદાવાદ,25 ફેબ્રુઆરી (હિ.સ.) પાકિસ્તાનની કરાંચી જેલમાં રહેલા ગુજરાતના 18 જેટલા માછીમારોને છોડવામાં આવતા તેઓ ટ્રેન મારફત વડોદરા આવી પહોંચ્યા હતા અને અહીંથી આ માછીમારોને તેમના વતનમાં જવા વિદાય આપવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા ઉક્ત બાબતે ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી અને વિદેશ મંત્રાલય દ્વારા પાકિસ્તાનની જેલમાં બંધ માછીમારોને છોડવા માટે પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ કરાંચીની જેલામાં બંધક રહેલા ગુજરાતના 18, દિવના 3 અને ઉત્તરપ્રદેશના એક સહિત કુલ 22 સાગરખેડૂઓને મુક્ત કરવામાં આવ્યા હતા.
આ માછીમારો વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો અને ત્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાવી ટ્રેન મારફત વતનમાં પહોંચવા રવાના કરવામાં આવ્યા હતા. તેમાંથી 18 માછીમારોનો સમુહ વડોદરા સ્ટેશન આવી પહોચ્યો હતો. જ્યાં તેમનું સ્વાગતકરવામાં આવ્યું હતું. ગિરસોમનાથના 15, દેવભૂમિ દ્વારકાના 3 અને દિવના 3 માછીમારોને બસ મારફત વેરાવળ તરફ જવા વિદાય આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ