જુનાગઢ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વર્ચ્યુઅલી પીએમ કિસાન સન્માન નિધિના ૧૯માં હપ્તાની DBTના માધ્યમથી ચુકવણી
મુખ્યમંત્રી ભુપેન્દ્ પટેલનું ખેડૂતોને વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન. વંથલી એપીએમસી ખાતે આયોજિત કિસાન સન્માન સમારોહમાં ખેડૂતોને પ્રતિકાત્મક રીતે ચાફ કટર, સોલાર પાવર યુનિટ, ટ્રેક્ટર સહિતના અધ્યતન સાધનો માટેની સહાયનું વિતરણ. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા સહિતના મહાનુભાવોએની પ્રેરક ઉપસ્થિતિ
વંથલી એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદીનો પણ પ્રારંભ થયો
જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરના અધ્યક્ષ સ્થાને આયોજિત કૃષિ સન્માન સમારોહમાં જૂનાગઢ જિલ્લાના 1,62,595 ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રૂ.૩૨.૫૨ કરોડથી વધુની સહાય DBT મારફત જમા કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ બિહારના ભાગલપુર ખાતેથી વર્ચ્યુઅલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રાજ્યના 51.41 લાખથી વધુ ખેડૂતોને 1148 કરોડથી વધુની સહાય ૧૯માં હપ્તા સ્વરૂપે DBT મારફત સહાયનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ મોદીએ વર્ચ્યુઅલી સંબોધન પણ કર્યું હતું.
આ પ્રસંગે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલી જોડાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ પટેલને પણ ખેડૂતોને વર્ચ્યુઅલી પ્રેરક સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશનનું ઈ - લોકાર્પણ તથા ટેકાના ભાવે તુવેરની ખરીદીનો ઓનલાઇન શુભારંભ કરાવ્યો હતો.
વંથલી એપીએમસી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાના કિસાન સન્માન સમારોહમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશ ઠુંમરે સંબોધન કરતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને આર્થિક રીતે સમૃદ્ધ અને સક્ષમ બનાવવા માટે પ્રતિ વર્ષ ત્રણ હપ્તામાં વાર્ષિક 6000 ની સહાય સીધી બેન્ક ખાતામાં જમા કરવામાં આવી રહી છે. આ સહાયનો લાભ તમામ ખેડૂત ખાતેદારોને મળી રહ્યો છે. ઉપરાંત સરકાર દ્વારા મગફળી, તુવેર જેવા પાકોની ટેકાના ભાવેથી ખરીદીથી ખેડૂતોને આર્થિક લાભ થઈ રહ્યો છે. આમ, ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રકલ્પો ચાલી રહ્યા છે.
આ તકે તેમણે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને 1 થી 18 હપ્તામાં 578 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ મોદી ખેડૂતોની સતત ચિંતા કરવાની સાથે ખેડૂતો પ્રત્યે તેમની અપાર લાગણી રહેલી છે.
કેન્દ્ર-રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવાનો અનુરોધ કરતા શ્રી હરેશ ઠુંમરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ દ્વારા સારવારની ૫ લાખની મર્યાદા વધારીને બમણી એટલે કે 10 લાખ કરી છે. જેથી બિમારીના સંજોગોમાં લોકોની સ્વાસ્થ્યની ચિંતા ટળી છે. તેમણે આ યોજનાને લોકો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી.
અંતમાં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૧૨ લાખ સુધીની આવકમાં આવકવેરામાંથી મુક્તિ આપવાના નિર્ણયને પણ ઉલ્લેખ કર્યો હતો.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે પ્રતિકાત્મકરૂપે ખેડૂતોને ચાફ કટર, સોલાર પાવર યુનિટ, પંપ સેટ, રોટાવેટર અને ટ્રેક્ટર સહિતના અધ્યતન સાધનો માટે સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉપરાંત કાર્યક્રમના સ્થળે ખેડૂતોનેલક્ષી યોજનાઓ અને અન્ય જરૂરી જાણકારી મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ, કેસીસી, પશુપાલન, આત્મા, બાગાયત જીઆરસીસી, આઈસીડીએસ, આરોગ્ય, ફાર્મર રજીસ્ટ્રી સહિતના જુદા જુદા સ્ટોલ પણ રાખવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમના પ્રારંભ પૂર્વે વંથલી એપીએમસી ખાતે ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો હતો. તુવેરની 4000 કીલોની મર્યાદામાં પ્રતિ 20 કિલો 1510 ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ