અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) આજે 26મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદનો સ્થાપના દિવસ છે. આ સાથે મહાશિવરાત્રિ પર્વ પણ છે. આજે અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યા છે. ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને જયકારા સાથે નગરદેવીની નગરયાત્રા શરૂ થઈ ગઈ છે. ત્યારે પહેલીવાર નીકળેલી ભદ્રકાળી માતાની નગરયાત્રામાં ભક્તો હર્ષોલ્લાસ સાથે જોડાયા છે.
લાલ દરવાજા ખાતે AMTSના કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો દ્વારા પણ માતાજીને ફુલહાર કરીને દર્શન કરવામાં આવ્યા હતા. માતાજીનું સ્વાગત કરી ફુલહાર કરવામાં આવ્યા હતા.
નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. માતાજીનો રથ નિજ મંદિરે પરત પહોંચ્યો છે.હવન અને ભંડારો કરવાની તૈયારી શરૂ થઈ છે.. અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપી ઢોલ, નગારા, શરણાઈ, ધજા અને ખુલ્લી જીપ અને વાહનો સાથે નગરજનો રથ લઈ આગળ વધી રહ્યાં છે. નગરયાત્રામાં અનેક અખાડાઓ પણ જોડાયા છે.
નગરદેવીની યાત્રા જમાલપુર જગન્નાથ મંદિર ખાતે પહોંચી. નગરયાત્રા ધીરે ધીરે સાબરમતી રિવરફ્રન્ટ તરફ આગળ વધી રહી છે. ઢોલ નગારા, ડીજે અને અખાડા જમાલપુર બ્રિજ થઈને રિવરફ્રન્ટ પર પહોંચ્યા છે.
જમાલપુર વૈશ્ય સભા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અને મુસ્લિમ આગેવાન ઇમરાન ખેડાવાલા દ્વારા નગરદેવી ભદ્રકાળી માતાજીને ફૂલહાર અર્પણ કરી દર્શન કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય દ્વારા મંદિરના ટ્રસ્ટીનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.મહાનગરપાલિકા ઓફિસ ખાતે મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા સહિતના પદાધિકારીઓ દ્વારા ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટીઓનું સ્વાગત કરવામાં આવ્યું
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ