સોમનાથ/અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) આજે મહાશિવરાત્રીના પર્વ પર દરેક શિવાલયોમાં જઈ ભગવાન શિવનો જળાભિષેક કરે છે. સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ. સવારે 4 વાગ્યાથી ભક્તો દર્શન માટે ઉમટ્યા. ભગવાન શિવને પ્રસન્ન કરવા ભક્તો દરેક પ્રયાસો કરે છે. આજે તમામ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મહાશિવરાત્રીના પર્વ મંદિરો બમ-બમ ભોલેના નાદ ગૂંજ્યા છે. એવામાં આજે આ પાવન પર્વ પર પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદાના મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે.
આજે મહાશિવરાત્રિ પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને જૂનાગઢમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. મહાશિવરાત્રિ નિમિત્તે સોમનાથ મંદિર સતત 42 કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેવાનું છે. તો બીજી તરફ જૂનાગઢમાં ભવનાથ ક્ષેત્રમાં અલગ અલગ રાજ્યો તેમજ દેશ-વિદેશથી આવેલા નાગા સાધુઓ અલગ અલગ અખાડાઓના સંન્યાસીઓ, મહામંડલેશ્વરો રાત્રે રવેડીમાં જોડાશે. નાગા સાધુઓ સંન્યાસીઓ અને મહામંડલેશ્વરોની શાહી સવારી નીકળશે જેને જોવા કલાકો પહેલા જ ભાવિકો રોડ પર બેસી જશે.
જો કે, દરેક કોઈ મંદિરે જઈ શકતા નથી, એવામાં મંદિર પ્રશાસન દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. સોમનાથ મંદિરના સોશિયલ મીડિયા હેન્ડલ પર લાઈવ દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. એવામાં તમે ઘરે બેઠા સોમનાથ દાદાના દર્શન કરી શકો છો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ