સોમનાથ,26 ફેબ્રુઆરી (હિ.સ.) ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મહાશિવરાત્રીના પાવન અવસરે બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ એવાં શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝૂકાવી ગુજરાત રાજ્યના નાગરિકોની શાંતિ, સલામતી અને રાજ્યની ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામના કરી હતી.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ મંદિરમાં ભક્તિભાવપૂર્વક સોમેશ્વર પૂજા કરી ધન્યતા અનુભવી હતી.મંત્રી બિલ્વપત્ર, પુષ્પ સહિતની સામગ્રી અર્પણ કરવાં સાથે ગંગાજળ અભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવની પૂજા કરી હતી.
આ અવસરે મંત્રી અ શિવરાત્રીની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, શિવરાત્રીના પાવન અવસરે સોમનાથ ખાતે આવવા માટે દેશ દેશાવરમાંથી અનેક લોકો આવી રહ્યાં છે, ત્યારે મુખ્યમંત્રી માર્ગદર્શનમાં ગુજરાત એસ.ટી. દ્વારા રાજ્યના વિવિધ સ્થળો ખાતેથી સોમનાથ આવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
સોમનાથ ખાતે ઉજવાઈ રહેલાં ત્રિ-દિવસીય સોમનાથ મહોત્સવમાં દેશભરમાંથી અનેક લોકો જોડાઈ રહ્યાં છે, અને દેશના નામાંકિત કલાકારો તેમાં સહભાગી થઈ રહ્યાં છે, ત્યારે સોમનાથ દાદાની અસીમ કૃપા ગુજરાત પર જળવાઈ રહે તે માટે તેમણે મંગલ પ્રાર્થના કરી છે તેમ જણાવ્યું હતું. મંત્રીએ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમને બોર્ડની પરીક્ષા માટેની શુભકામનાઓ પણ પાઠવી હતી.
આ પ્રસંગે સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજા, ધનરાજ નથવાણી, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી યોગેન્દ્ર દેસાઈ, પી.કે. લહેરી સહિત ટ્રસ્ટના પદાધિકારીઓ, અધિકારીશ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ