સોમનાથ 26 ફેબ્રુઆરી (હિ.સ.) કલા અને આરાધનાના મહોત્સવ 'સોમનાથ મહોત્સવ'માં જાણીતા ગાયક ઓસમાણ મીર તથા આમીર મીરે લોકસંગીતની અદભૂત પ્રસ્તુતિ રજૂ કરીને ઉપસ્થિત સર્વેને રસતરબોળ કર્યા હતાં.
ઓસમાણ મીર અને આમીર મીરની જુગલબંધીએ 'શિવવંદના', 'નગર મેં જોગી આયા', 'છે શક્તિ કેરો સાદ', 'ઓરી સખી મંગલ ગાવો રી...' અને 'શિવસ્તુતિ' જેવા વિવિધ દૂહા, છંદ અને ગીતો પર સૂર રેલાવી પોતાના ઘેઘૂર કંઠ દ્વારા લોકસંગીતથી મઢેલી અનેકાનેક પ્રસ્તુતિઓ રજૂ કરીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતાં.
ઓસમાણ મીર તથા આમીર મીરની જુગલબંધીને સ્થાનિક લોકો તેમજ આસ્થાળુઓએ મનભરી માણી હતી.
આ અવસરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, શ્રી સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા સહિત અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ, આગેવાનો, સ્થાનિક લોકો તેમજ આસ્થાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ