પાટણ, 26 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની 25મી વર્ષગાંઠે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભારતીય માનક બ્યુરોના સહયોગથી માનકોના મહત્વ અને આબોહવા પરિવર્તન વિષય પર પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, બનાસકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લામાંથી 13 શાળાઓના 520થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. સાયન્સ સેન્ટર ભાવનગર દ્વારા 'વિકસિત ભારત માટે કૃત્રિમ બુદ્ધિના ઉપયોગો' પર નિષ્ણાત ચર્ચાનું લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું.
નિષ્ણાતોએ ભારતીય માનક બ્યુરોના ઇતિહાસ, મહત્વ અને કાર્યક્ષેત્ર વિશે વિસ્તૃત માહિતી આપી અને આબોહવા પરિવર્તન અને તેના ભવિષ્યના પડકારો અંગે વિદ્યાર્થીઓને સમજ આપી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે તેમનું કેન્દ્ર વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને જ્ઞાન પ્રત્યેની ઉત્સુકતા વધારવા માટે સતત પ્રયત્નશીલ છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર