પાટણ, 27 મે (હિ.સ.)પાટણ જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે શાળા પ્રવેશોત્સવ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પ્રવેશોત્સવ 18, 19 અને 20 જૂનના રોજ યોજાશે. જિલ્લામાં કુલ 792 સરકારી પ્રાથમિક અને 206 માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાર્યક્રમ યોજાશે. સમયપત્રક મુજબ પ્રાથમિક શાળાઓમાં સવારે 8:00 થી 9:30, માધ્યમિકમાં 10:00 થી 11:30 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બપોરે 12:00 થી 1:30 દરમ્યાન પ્રવેશોત્સવ યોજાશે.
આ વર્ષે પ્રવેશોત્સવ દરમિયાન ખાસ કરીને માધ્યમિક શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ ઘટાડવા પર ભાર મૂકવામાં આવશે. રાજ્ય કક્ષાના અધિકારીઓ બે માધ્યમિક અને એક પ્રાથમિક શાળાની મુલાકાત લેતા શાળાઓની સિદ્ધિઓ તથા ભવિષ્યની યોજનાઓ અંગે પ્રેઝન્ટેશન રજૂ થશે. સીઇટી, એનએમએમએસ, ખેલ મહાકુંભ અને ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ગુણોત્સવ 2.0 હેઠળ શાળાઓના મૂલ્યાંકન અંગે પણ માહિતી આપવામાં આવશે.
પ્રવેશોત્સવમાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ અને વર્ગખંડ જેવી આધુનિક સુવિધાઓની જાણકારી આપવામાં આવશે. દીકરીઓના ઓછા નામાંકનવાળા વિસ્તારોમાં વધુ નામાંકન માટે સઘન પ્રયાસો હાથ ધરાશે. કાર્યક્રમનું સંચાલન એક વિદ્યાર્થિની અને એક વિદ્યાર્થી કરશે, જેનાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને નેતૃત્વ ક્ષમતા વિકસિત થશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર