વલસાડ, 28 મે (હિ.સ.)-ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના DILR અધિકારી શીલકુમાર પટેલે નશા વિરોધી અભિયાન અંતર્ગત એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે Invincible NGO સાથે મળીને 17,300 ફૂટ ઊંચી માઉન્ટ ફ્રેન્ડશીપ પીક સર કરી છે.
શીલકુમાર પટેલ અને તેમની 14 સભ્યોની ટીમે આ સાહસિક અભિયાન No Drugs Campaignના સંદેશા સાથે પાર પાડ્યું છે. ટીમની યાત્રા રાત્રે 12:30 વાગ્યે એડવાન્સ બેઝકેમ્પથી શરૂ થઈ હતી. સવારે 9 વાગ્યે તેઓએ હિમાલયની પીરપંજાલ શ્રેણીના શિખર પર સફળતાપૂર્વક તિરંગો લહેરાવ્યો હતો. Invincible NGOએ આ અભિયાનને સ્પોન્સર કર્યું હતું. સંસ્થાએ ટીમને શારીરિક અને માનસિક તાલીમ પણ પૂરી પાડી હતી. દુર્ગમ વિસ્તાર અને વિકટ વાતાવરણ વચ્ચે પણ ટીમે હિંમત ન હારતાં આ સફળતા મેળવી છે. ટીમે આ સફળતા ઓપરેશન સિંદૂરને સમર્પિત કરી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવા પેઢીમાં વધી રહેલા વ્યસનના પ્રમાણને ઘટાડવા માટે જાગૃતિ ફેલાવવાનો છે. સાથે જ યુવાનોને પર્વતારોહણ જેવી સાહસિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષવાનો પણ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે