સુરત, 29 મે (હિ.સ.)-લાલગેટ વિસ્તારમાં વરીયાળી બજાર ખાતે રહેતા યુવકને સાથે જુના ઝઘડાની અદાવત રાખી સ્થાનિક યુવકે એલ ફેલ ગાળો આપી જાતિ વિષયક અપમાનજનક શબ્દો કીધા હતા. એટલું જ નહીં પરંતુ લોખંડના સળિયા વડે યુવકને માથામાં મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ સમયે ભોગ બનનાર યુવકની પત્ની વચ્ચે આવતા તેને પણ હાથ ઉપર લોખંડનો સળીયો મારી ઇજા પહોંચાડી હતી. જેથી ભોગ બનનાર યુવકે આ મામલે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલ વરીયાળી બજાર ખાતે રહેતો યુવક તારીખ 28/05/2025 ના રોજ સાંજે 6:00 વાગ્યાના અરસામાં પોતાના ઘરની બહાર ઊભો હતો. આ સમયે વરિયાળી બજારમાં જ રહેતો સોહેબ ફિરોજ મલેક તેની પાસે આવ્યો હતો. જુના ઝઘડાની અદાવત રાખી સોહેબ મલિકે યુવકને એલફેલ ગાળો આપવાની શરૂઆત કરી હતી. જેથી યુવકે તેને અપ શબ્દો બોલવા માટે ના પાડતા સોહેબે યુવકને જાહેરમાં જાતિ વિશે અપમાનજનક શબ્દો કહી ઝપાઝપી કરી હતી. આ દરમિયાન સોહેબે એકદમ ઉશ્કરાઈ ગઈ લોખંડનો સળીયો લાવી યુવકને માથામાં મારી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી અને તે લોહી લુહાણ થઈ ઢળી પડ્યો હતો. જેથી ઘરમાં હાજર તેની પત્ની દોડી આવી હતી અને તેણે પતિને બચાવવાની કોશિશ કરતા સોહેબે તેને પણ હાથ ઉપર લોખંડનો સળીયો મારી દીધો હતો. જેથી આખરે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે યુવકે લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે