પાટણ, 30 મે (હિ.સ.)સિદ્ધપુર તાલુકાના બિલીયા ગામની 23 વર્ષીય વિદ્યાબેન પટેલ, જે પ્રાથમિક શાળામાં કરાર આધારિત શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે, તેઓ સાથે યુકે વર્ક વિઝા મામલે 30 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. વિદ્યાબેન યુકે જવા ઈચ્છતી હતી અને તેના ગામના કેતન પટેલે તેમને સુરતના વિઝા એજન્ટો સાથે સંપર્ક કરાવ્યો હતો. એજન્ટોએ એપ્રિલથી જૂન 2024 દરમ્યાન વિઝાની કામગીરી માટે 30 લાખ રૂપિયા લેતા ચૂકવવામાં આવ્યા હતા.
વિઝા એજન્ટોએ તેમને COS લેટરની PDF ફાઈલ મોકલેલી હતી. ત્યારબાદ 12 જુલાઈના રોજ જ્યારે વિદ્યાબેન યુકે એમ્બેસીમાં જઈ દસ્તાવેજ રજૂ કરવા ગયાં, ત્યારે તેમાં ખામીઓ હોવાને કારણે એમ્બેસીએ એપોઈન્ટમેન્ટ રદ કરી દીધી. જયારે વિદ્યાબેને પોતાનું પેમેન્ટ પરત માંગ્યું, ત્યારે એજન્ટોએ આપેલા 33.50 લાખ અને 30 લાખના ચેક બાઉન્સ થયા હતા.
આ મામલે સિદ્ધપુર પોલીસે સુરતના કૌશલ પટેલ, રમેશ સોની, હરિયાણાના મહેશકુમાર, વડોદરાના ઝેલા શેખ અને બિલીયાના કેતન પટેલ સામે IPC કલમ 406, 420 અને 114 હેઠળ ગુનો નોંધ્યો છે. વિદ્યાબેને ખાસ કરીને કેતન પટેલની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા છે અને રૂપિયા પરત ન મળતાં પાટણ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ પણ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર