વલસાડ, 31 મે (હિ.સ.)-વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી નિમિત્તે વલસાડ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ દ્વારા ધરમપુર તાલુકાના માલનપાડા ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં વિદ્યાર્થીઓને વિશ્વ તમાકુ નિષધ દિવસની થીમ ‘‘Unmasking the Appeal: Exposing Industry Tactics on Tobacco and Nicotine Products’’ એટલે કે, ‘‘ચાલો સાથે મળીને તમાકુ ઉદ્યોગોની પ્રયુક્તિને ઉજાગર કરીએ’’ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના કાઉન્સિલર સુમિત્રા બાગુલ અને અલ્પેશ પટેલે આઈટીઆઈના વિદ્યાર્થીઓને આ થીમ અંગે સમજાવતા જણાવ્યું કે, તમાકુ ઉદ્યોગો દ્વારા કેવી રીતે સ્વાદ અંગે મીઠા જુઠાણા ફેલાવી, આકર્ષક પેકેજિંગ અને ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરી ખાસ કરીને યુવાવર્ગને આકર્ષવા માટે જે વ્યુહરચના અપનાવે છે તેને ખુલ્લી પાડવા પર આ થીમ ભાર મુકે છે. જેથી ખાસ કરીને યુવા વર્ગને તમાકુના વ્યસનથી મુક્ત કરી શકાય અને વ્યસનના માર્ગે જતા અટકાવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓએ વ્યસન અંગે પોતાના મનમાં ઉઠતા સવાલો અંગે પણ કાઉન્સિલરો સાથે મુક્ત મને ચર્ચા કરી પોતાની સમજને કેળવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે