
અમદાવાદ, 17 જૂન (હિ.સ.) : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની લંડન જતી પહેલી ફ્લાઇટ રદ્દ કરવામાં આવી છે.
હાલમાં બનેલી વિમાન દુર્ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ છે, અને એ વચ્ચે એર ઇન્ડિયાની અમદાવાદથી લંડન જતી બીજી એક ફ્લાઇટને પણ તકનીકી ખામીને કારણે રદ્દ કરવી પડી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર AI-159, બોઇંગ 788, જે બપોરે 01:10 વાગ્યે લંડન જવાની હતી, તે તકનીકી ખામીના કારણે રદ્દ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, આ તકનીકી ખામી ફ્લાઇટ રવાના થવાની કેટલીક કલાકો પહેલાં જ ધ્યાને આવી હતી. સદનસીબે સમયસર આ ખામી પકડી લેવામાં આવી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી અને તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા. જોકે, ફ્લાઇટ રદ્દ થવાને કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો છે.
હાલમાં યાત્રિકોને 19 જૂનની ફ્લાઇટ આપવામાં આવી છે. ત્યારે યાત્રિકોનો સવાલ છે કે શું એરલાઇન અમને તેની ગેરંટી આપશે કે અમે 19 જૂનની ફ્લાઇટમાં જઈ શકીશું?
એરલાઇન કોઈ યોગ્ય જવાબ આપતી નથી, કહે છે કે આજની ફ્લાઇટ કાલે રીશેડ્યુલ થશે અને કાલની ફ્લાઇટ પરમ દિવસે રીશેડ્યુલ થશે. દૂર દૂરથી આવેલા તમામ મુસાફરો હાલ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ