પાટણ, 18 જૂન (હિ.સ.) હવામાન વિભાગે પાટણ જિલ્લામાં 21 જૂનથી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ પરિસ્થિતિને ધ્યાને લેતા જિલ્લા કલેકટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને તાત્કાલિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ હતી. કલેકટરે જણાવ્યું કે નાગરિકોની સુરક્ષા તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે અને તે માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યાં છે.
જિલ્લામાં જર્જરિત મકાનો ખાલી કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઈનોની સફાઈ, નદી કાંઠા અને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાશે. આશ્રયસ્થાનોની વ્યવસ્થા કરાઈ છે અને અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવાની યોજના તૈયાર છે. સાથે જ રોગચાળો ન ફેલાય તે માટે કલોરીનેશન અને દવાઓનો છંટકાવ થશે તથા મેલેરિયા અને ડેન્ગ્યુ અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
આપત્તિની પરિસ્થિતિ માટે એનડીઆરએફ (NDRF) અને એસડીઆરએફ (SDRF)ની ટીમો તૈનાત કરાશે. જરૂર પડે ત્યાં એર લિફ્ટિંગ દ્વારા બચાવની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. બેઠકમાં UGVCL, આરોગ્ય, સિંચાઈ, પાણી પુરવઠા અને વાસ્મો સહિતના વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પાંચ નગરપાલિકાના ચીફ ઓફિસરો વિડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર