
વલસાડ, 19 જૂન (હિ.સ.)-રાષ્ટ્રીય સિકલસેલ નાબુદી કાર્યક્રમ 2047 અંતર્ગત વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 19 મી જુને વિશ્વ સિકલસેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં લોકોમાં આ રોગને લગતી જાગૃતિ આવે અને આ રોગનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે દર વર્ષની જેમ તા. 19 જૂને આ દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેમાં વલસાડ જિલ્લાના પ્રા.આ.કેન્દ્રો, સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે સિકલસેલ દર્દીઓ માટેના “સિકલસેલ ફોલોઅપ કેમ્પ”નું આયોજન ધરમપુરની સ્ટેટ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના એપેડેમીક મેડિકલ ઓફિસર ડો. મનોજ એન. પટેલ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિજ્ઞેશ માહલાએ સિકલસેલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ જણાવ્યુ હતું કે, વલસાડ જિલ્લામાં આજદિન સુધી લગભગ 2600 થી વધુ સિકલસેલ ડીસીઝ દર્દીઓ અને 52552 થી વધુ સિકલસેલ ટ્રેઈટ દર્દી નોંધાયા છે.
જિલ્લાના તમામ પ્રા.આ.કેન્દ્રો અને સ્ટેટ હોસ્પિટલ ખાતે સિકલસેલના 726 થી વધુ દર્દીઓને સ્પેશિયાલીસ્ટ ડોક્ટર મારફત હેલ્થ ચેકઅપ કરી જરૂરી સારવાર આપવામાં આવી હતી તેમજ લેબ ટેક્નીશ્યનો દ્વારા તમામ દર્દીઓના લોહીની તપાસ કરવામાં આવી હતી. આ દર્દીઓ પૈકી 16 દર્દીઓને વધુ સારવારની જરૂર જણાતા સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રીફર કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે