સુરત, 18 જૂન (હિ.સ.)- સોશિયલ મીડિયામાં સતત વિવાદોમાં રહેતી અને વિડીયો દ્વારા લોકોનો શોર મચાવતી કીર્તિ પટેલને કાપોદ્રા પોલીસે આખરે ઝડપી લીધી છે. આરોપ છે કે કીર્તિ પટેલે પોતાના સાથી વિજય સવાણી સાથે મળી શહેરના જાણીતા બિલ્ડર વજુભાઈ કાત્રોડિયાને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની સઘન યોજના બનાવી અને તેણે રૂપિયા બે કરોડની ખંડણી પણ માંગી હતી.
વિગતો અનુસાર, વજુભાઈ અને વિજય સવાણી વચ્ચે એક પ્રોપર્ટી સંબંધિત વિવાદ અગાઉથી કોર્ટમાં ચાલી રહ્યો હતો. આ કેસના બહાને વિજય સવાણીએ કીર્તિ પટેલ તથા તેના સાગરીતો સાથે મળીને વજુભાઈના ફોટા સાથે અસલિલ રીલ્સ બનાવી સોશિયલ મીડિયા પર મૂક્યા હતા. એટલું જ નહીં, કીર્તિ પટેલે લાઈવ આવીને વજુભાઈ અને તેના પરિવાર સામે અપશબ્દો બોલ્યા હતા અને તેમના ઈમેજને ભારે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
વજુભાઈએ પૈસા આપવાથી ઈનકાર કરતાં, કીર્તિ અને વિજયે તેમની નાબાલિગ દીકરીઓ સાથે બળાત્કારના આરોપ લગાવવાની તથા પત્નીના ફોટા સાથે ખોટી સ્ટોરીઝ બનાવી સોશિયલ મીડિયા પર ફેલાવવાની ધમકી આપી હતી.
આ સમગ્ર ઘટનાની સામે વજુભાઈ કાત્રોડિયાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા 2024માં વિજય સવાણીની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કીર્તિ પટેલ વોન્ટેડ જાહેર કરી નાસતી ફરતી હતી.
હવે એક વર્ષ બાદ કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે