ભરૂચ 18 જૂન (હિ.સ.) : નેત્રંગ પોલીસે નેત્રંગ તાલુકાના ઝરણા ફોરેસ્ટ ખાતેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના 2.70 લાખના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લઇને અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો હતો.
નેત્રંગ પીઆઇ આર.સી.વસાવા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝરણા ફોરેસ્ટ કંપની કાંટીપાડા ખાતે રહેતા હરેશ વસાવાએ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી તેના ઘરે સંતાડેલ છે. પોલીસને મળેલ બાતમી મુજબ બુટલેગરના ઘરે જઇને રેઇડ કરતા હરેશ વસાવા તેના ઘરે હાજર હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરતા ઘરની આગળની ખુલ્લી ઓરડીમાં માળિયા ઉપર ઘાસચારાની આડમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની બોટલો 864 નંગ તેમજ એક મોબાઇલ મળીને કુલ રૂપિયા 2.70 લાખના મુદ્દામાલ સાથે હરેશ વસાવા રહે.ઝરણા ફોરેસ્ટ (કાંટીપાડા)તા.નેત્રંગ જિ.ભરૂચનાને ઝડપી લઇને દારૂનો આ જથ્થો બહારથી લાવીને પકડાયેલ ઇસમના ઘરે મુકી જનાર પ્રદિપ વસાવા રહે.ગામ વાગલખોડ તા.વાલિયા જિ.ભરૂચનાને વોન્ટેડ જાહેર કરીને બન્ને વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ