સુરત, 18 જૂન (હિ.સ.)-સુરતના વેસુ ઉધના મગદલ્લા રોડ પર આવેલ એક રિયલ એસ્ટેટ ઓફિસની આડમાં ચોપાઈ હુક્કાબાર પર SOGની ટીમે દરોડા પાડી કારવાઈ કરી હતી. અરીસ્ટા કોમ્પલેક્સના સાતમા માળે ચાલતા હુક્કાબારમાંથી પોલીસએ હુક્કાની અલગ-અલગ સામગ્રી સહિત કુલ ₹26,550નો મુદામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, હેપ્પી રેસિડન્સીની સામે આવેલ અરીસ્ટા કોમ્પલેક્ષમાં ગોપનીય રીતે હુક્કાબાર ચલાવવામાં આવી રહ્યો હતો. SOGએ મળેલી ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડીને જગ્યાએથી હુક્કા – 6, પાઈપ – 15, ચીલમ – 6, કોલસાના બોક્સ – 2, હુક્કા ફિલ્ટર – 150, સ્ટીલની ચીપીઓ – 2, ઇલેક્ટ્રિક સગરી અને સ્ટીલની જાળી સહિત ₹21,100નો મુદામાલ તથા રોકડા ₹4,450 મળી કુલ ₹26,550ના મુદામાલ સાથે માલિક શક્તિસિંહ નવલસિંહ ઝાલાને ઝડપ્યો હતો.
હજુ વધુ પૂછપરછ માટે આરોપી સામે વેસુ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે