પાટણ, 19 જૂન (હિ.સ.) સિધ્ધપુર તાલુકાના આંકવી ગામમાં લગ્નના નામે થયેલી છેતરપિંડીના કેસમાં પોલીસે વધુ એક આરોપી ભાગ્યશ્રીની ધરપકડ કરી છે. પાટણ પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે સૂરતના લિંબાયત વિસ્તારથી ભાગ્યશ્રીને પકડી સધ્ધપુર પોલીસના હવાલે કરી છે. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે લગ્ન સોદાની વેળાએ ભાગ્યશ્રી પણ ઉષા સાથે હાજર હતી.
આ કેસમાં આંકવી ગામના યુવકે લગ્ન માટે કન્યાની શોધ શરૂ કરી હતી અને 23 ઓગસ્ટ 2023ના રોજ દલાલ મારફતે ઔરંગાબાદની ઉષા પંડિત સાથે મૈત્રી કરાર કર્યો હતો. યુવકે ઉષાને રૂ. 2 લાખ રોકડા અને રૂ. 1.10 લાખના દાગીના આપ્યા હતા. 26 ઓગસ્ટે હોટલમાં જમ્યા બાદ, ઉષાએ ઊંઝા બસ સ્ટેન્ડે ઉલ્ટીનું બહાનું કાઢીને યુવકને પાણી લેવા મોકલ્યો અને ત્યાંથી ફરાર થઈ ગઈ હતી.
પોલીસે અગાઉ મુખ્ય આરોપી ઉષા અને દલાલ રોહિત વાનખેડેની ધરપકડ કરી હતી. રોહિતને 29 સપ્ટેમ્બર અને ઉષાને 8 નવેમ્બર 2023ના રોજ સિધ્ધપુર કોર્ટમાંથી જામીન મળ્યા હતા. હવે ત્રીજી આરોપી ભાગ્યશ્રીની ધરપકડ થતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર