પાટણ, 19 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના આર્કિટેક્ચર વિભાગને મહત્વની સફળતા મળતી, કાઉન્સિલ ઓફ આર્કિટેક્ચર, દિલ્હી દ્વારા વિભાગની પ્રવેશ સીટો ફરી 40 કરી દેવામાં આવી છે. EWS કેટેગરી સાથે મળીને હવે કુલ 48 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
વિભાગમાં પાંચ વર્ષનો આર્કિટેક્ચર ડિગ્રી કોર્ષ ચલાવવામાં આવે છે અને દર વર્ષે કાઉન્સિલની માન્યતા જરૂરી હોય છે. વર્ષો પહેલા પ્રવેશ ક્ષમતા ઘટી ગઈ હતી, જે ફરી વધારવામાં આવી છે. આ સફળતા માટે કુલપતિ ડૉ. કિશોર પોરિયા, કુલસચિવ રોહિતભાઈ દેસાઈ, વિભાગના ડાયરેક્ટર મીરાબેન ચતવાણી અને અધ્યાપકોની મહેનત જવાબદાર છે. વિભાગને સીટ વધારાનો પત્ર આજે મળ્યો છે.
વિભાગના અનેક ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ વ્યવસાયમાં સફળ છે. આ ક્ષેત્રમાં કારકિર્દીની ઉમદા તકો ઉપલબ્ધ છે. ઉત્તર ગુજરાતનો આ એકમાત્ર ગ્રાન્ટ-ઇન-એઇડ વિભાગ રાજ્ય તેમજ બહારના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પસંદગી બની રહ્યો છે, કારણ કે યુનિવર્સિટી તમામ આધુનિક સુવિધાઓ સાથે શિક્ષણ આપે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર