જૂનાગઢ, 19 જૂન (હિ.સ.) વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં મહિલા શક્તિનો પરચમ જોવા મળ્યો છે, વિસાવદરના મોણીયા ગામ ખાતેના મતદાન મથકનું સમગ્ર સંચાલન મહિલા અધિકારી કર્મચારીઓએ સંભાળ્યું હતું.
ખૂબ જવાબદારી માંગી લે તેવી મતદાન પ્રક્રિયાનું કામ મહિલા અધિકારી કર્મચારીઓએ બખૂબી કર્યું હતું.
મોણીયાના ગામના સખી મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલા ઈલાબેન હરેશભાઈ શ્યારા કહે છે કે, વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીમાં મતદાન કરી ફરજ પૂર્ણ કરી છે, સાથે જ એ જાણીને પણ સવિશેષ આનંદ અને ગર્વ થયો કે, આ મહિલા મથકની સમગ્ર કામગીરી અને સંચાલન મહિલા અધિકારી કર્મચારીઓ દ્વારા થઈ રહી છે. આ મહિલાઓ બખૂબી રીતે પોતાની ફરજ નિભાવી, દરેક કાર્ય કરવા માટે સક્ષમ હોવાની પણ સાબિતી પૂરે છે. આ ઉપરાંત તેમણે દરેક ને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પણ અપીલ કરી હતી. અન્ય મહિલા મતદારોએ પણ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ