પાટણ, 2 જૂન (હિ.સ.) પાટણ શહેરમાં સ્વચ્છતા અભિયાનના વચ્ચે કચરાના નિકાલની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. જૂના પાવર હાઉસ પાસે આવેલા વોર્ડ નંબર 8 અને 10ની વોર્ડ ઇન્સ્પેક્ટરની કચેરી ખાતે મોટા પ્રમાણમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અને બે પૈડાંની લારીઓમાંથી આવતો કચરો ઠલવવામાં આવે છે. પરિણામે આસપાસની વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે અને આરોગ્ય માટે જોખમ ઊભું થયું છે.
આ મુશ્કેલીને લઈને સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાને રજૂઆત કરી છે. સામાજિક કાર્યકર ભૂરા સૈયદે જણાવ્યુ હતું કે, વોર્ડ ઇન્સ્પેક્ટર અને પાલિકાને વારંવાર જણાવવામાં આવ્યા છતાં કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી, જેને લીધે લોકોમાં રોષ વ્યાપી રહ્યો છે.
રહેવાસીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તાત્કાલિક કચરાનું સ્ટેન્ડ દૂર નહીં થાય તો તેઓ આ આખો કચરો પાલિકા પ્રમુખની ચેમ્બરમાં ઠાલવી દેશે. તેઓની સ્પષ્ટ માંગ છે કે દુર્ગંધ ફેલાવતા અને આરોગ્ય માટે હાનિકારક કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર