પાટણ, 2 જૂન (હિ.સ.)પાટણમાં કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ માટે ઇકોનોમિક માસ્ટર પ્લાન તૈયાર કરવાની દિશામાં એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. વર્કશોપમાં ડેટા એકત્રીકરણ અને વિશ્લેષણના આધારે ઔદ્યોગિક વિકાસ માટેનો રોડમેપ તૈયાર કરવા પર ભાર મૂકાયો હતો.
કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું કે, પાટણ જિલ્લામાં ખેતી આધારિત ઉદ્યોગો, ફૂડ પ્રોસેસિંગ, મસાલા ઉદ્યોગ, પશુપાલન, ડેરી, સોલાર એનર્જી અને મધમાખી ઉછેર જેવા ક્ષેત્રોમાં વ્યાપક વિકાસની તકો ઉપલબ્ધ છે. ઉપરાંત, પટોળા ઉદ્યોગ અને રાણીની વાવ, શંખેશ્વર જિનાલય જેવા પર્યટન સ્થળોને કારણે પ્રવાસન ક્ષેત્રે પણ મોટી સંભાવનાઓ રહેલી છે.
વર્કશોપમાં PWCના રીજનલ મેનેજર શ્રીકાંત શર્માએ, ઉદ્યોગસાહસિકો અને વિવિધ એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. ટોરેન્ટ ફાર્મા, રત્નમણિ, દૂધ સાગર ડેરી, અમાન એપોલો અને મકેન જેવી પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. આ માસ્ટર પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક અને માર્ગ કનેક્ટિવિટી જેવા વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરી, જિલ્લા ઉદ્યોગ ભવન અને આયોજન વિભાગના સંકલનમાં તે સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર