ગાંધીનગર, 25 જૂન (હિ.સ.) : ગાંધીનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી અંતર્ગત, મતદાન ગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ચૂકી છે, જે અંતર્ગત ચારેય તાલુકા માંથી મળેલી માહિતી મુજબ કલોલ તાલુકા ખાતે સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલમાં મતગણતરી માટે ૧૫ હોલ ફાળવવામાં આવ્યા છે, જેમાં ૧૨૮ મતગણતરી સ્ટાફ તથા ૩૨ આરો સ્ટાફ અને ૩૦૦ પોલીસ જવાનો સુરક્ષા માટે મતદાન મથક પર તૈનાત કરવામાં આવ્યા છે.
આજ રીતે માણસા એલડી આર્ટસ અને બી.આર કોમર્સ કોલેજ ખાતે ૧૦ મત ગણતરી હોલમાં ૮૭ લોકો દ્વારા મત ગણતરી ચાલી રહી છે. અને કડક બંદોબસ્ત માટે ૨૦૦ પોલીસ જવાનો તથા ૧૦૦ હોમગાર્ડ જવાનો ની ડ્યુટી સોંપવામાં આવી છે
દહેગામ ની વાત કરવામાં આવે તો દહેગામ તાલુકા સેવા સદન ખાતે ૫ રૂમમાં મતગણતરી ની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ૪૦ લોકો ફરજ બજાવી રહ્યા છે અને ૪૦ પોલીસ જવાનોનો સ્ટાફ પણ સુરક્ષા માટે અહીં ખડે પગે કાર્યરત છે.
ગાંધીનગર જિલ્લાની વાત કરવામાં આવે તો સેક્ટર-૧૫, કોમર્સ કોલેજ ખાતે ૦૩ હોલમાં મતગણતરીની પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ચૂકી છે. મત મથક પર વહીવટી તંત્રના વિવિધ વિભાગોનો ૧૨૮ લોકોનો કાફલો કાર્યરત છે. ઉપરાંત ૧૦૦ પોલીસ જવાનો તથા ૫૦ જેટલા હોમગાર્ડના જવાનો પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઈ પોતાની ફરજ અદા કરી રહ્યા છે.
આમ, ગાંધીનગર જિલ્લામાં ચાલી રહેલ મતગણતરી પ્રક્રિયાને નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરવા માટે જરૂરી સુરક્ષા વ્યવસ્થા અને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે, જેથી કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને પરિણામો સમયસર જાહેર થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર જિલ્લામાં કલોલમાં ૩૯ જગ્યા, માણસામાં ૩૪ જગ્યા, ગાંધીનગરમાં ૫ જગ્યા, દહેગામમાં ૭ તથા
પેટા ૪ મળી, કુલ ૮૯ જગ્યાએ તા.૨૨ જુનના રોજ મતદાન યોજી ઉમેદવારોનું ભાવે પેટીમાં બંધ કરાયું હતું. આજે પરિણામ જાહેર થતાં મતદાતા નાગરિકો તથા ઉમેદવારોની આતુરતાનો અંત આવશે.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ