પાટણ, 26 જૂન (હિ.સ.)ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં 26 જૂન, 2025ના રોજ પ્રવેશોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નર્સરી અને ધોરણ-1માં નવા પ્રવેશ મેળવનારા 101 વિદ્યાર્થીઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે માં સરસ્વતી અને ગુરુ પૂજન કરીને સ્વાગત કરવામાં આવ્યું. તમામ બાળકો અને મહેમાનોનું સુખડથી કુમકુમ તિલક કરી આવકાર અપાયો.
આ પ્રસંગે મંડળના ખજાનચી શ્રી મહેન્દ્રભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પાનપાના નગર સેવક મનોજભાઈ પટેલ તથા અમેરિકાની વતની કારોબારી સભ્ય રમીલાબેન પટેલ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ તરફથી સ્કૂલ બેગ, પાણીની બોટલ, નોટબુક, પેન્સિલ, રબર, સંચો અને દેશી હિસાબની બુકનું વિતરણ કરવામાં આવ્યું.
મોતીભાઈ પટેલ, સિંગાપુર ફેમિલી (મુંબઈ) અને અન્ય દાતાઓના સહયોગથી શાળાના કુલ 460 વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી. વાલીઓને બાળક ઉછેર વિષયક માર્ગદર્શક પુસ્તક આપવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે તિથિ ભોજનમાં સર્વે માટે રસ-પૂરીનો સહભાર્ય પીરસાયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર