પાટણ, 26 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં કુલ 310 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાંથી 78 પંચાયતો સમરસ જાહેર થતાં 232 પંચાયતોમાં બુધવારે મતદાન યોજાયું હતું, જેમાં 78.15% મતદાન નોંધાયું હતું. સવારે 9:00 વાગ્યાથી 9 તાલુકા મથકો પર મતગણતરી કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉમેદવારોની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી. રાત્રે 10:00 વાગ્યા સુધીમાં ઓછાં મતદારવાળી 80%થી વધુ પંચાયતોના પરિણામો જાહેર થયા હતા, જ્યારે વધુ મતદારવાળી પંચાયતોના પરિણામો મોડી રાત્રે જાહેર થયા હતા.
ચુંટણીઓમાં અનેક રસપ્રદ ઘટનાઓ જોવા મળી. મોરપા ગામમાં રીકાઉન્ટિંગ બાદ જીતેલા ઉમેદવારના 3 મત રદ થતાં હારેલા ઉમેદવાર ગોપાલજી ઠાકોર એક મતથી વિજેતા જાહેર થયા હતા. સાંતી ગામમાં સરપંચ માટે ફક્ત 7 મતથી વિજય થયો હતો, જ્યારે 9 મત અમાન્ય ગણાયા હતા. પેટીમાંથી કોરા મતપત્રો મળ્યા અને ઘણા મત અમાન્ય ઠર્યા હતા. ચંદ્રુમાણા ગ્રામ પંચાયતમાં 150થી વધુ મત રદ થયા હોવાની વિગતો સામે આવી.
જિલ્લાની 3 પંચાયતોમાં ટાઈની પરિસ્થિતિ સર્જાતાં ચીઠ્ઠી ઉછાળવી પડી. ધારણોજ, ખોડાણા અને ટુવડ ગામોમાં ઉમેદવારોએ સમાન મત મેળવ્યા હતા. પરિણામે ચિઠ્ઠી ઉછાળવામાં આવી અને તેમાં જશીબેન પટેલ, વિપીસિંહજી ઠાકોર અને કમુબેન વઢેરને વિજેતા જાહેર કરવામાં આવ્યા.
સિદ્ધપુરના મેળોજ ગામમાં 76 વર્ષીય દાદી હતીબેન ઠાકોરે પોતાના પૌત્ર અને અન્ય ત્રણ ઉમેદવારોને હરાવી 382 મતથી વિજય મેળવી લોકચર્ચાનો વિષય બની. બેપાદર ગામમાં સરપંચપદ માટે ચૌધરી પરિવાર સતત સાતમી વાર ચૂંટાઈ આવ્યો છે, આ વખતે પુત્રવધૂ રીટાબેન ચૌધરી 295 મતથી વિજયી બની છે.
ચૂંટણી બાદ સરકારએ 4 અઠવાડિયામાં નવી બોડીની પ્રથમ બેઠક યોજવાની પ્રક્રિયા શરૂ કરશે. પ્રથમ બેઠકમાં ઉપસરપંચની વરણી થશે. પંચાયતની મુદત 5 વર્ષની હોય છે અને પીવાનું પાણી, લાઈટ, ગ્રામ સફાઈ જેવી જરૂરિયાતોને પ્રાથમિકતા આપવામાં આવશે. ભ્રષ્ટાચાર અથવા ગેરરીતિની ફરિયાદ તાલુકા અથવા જિલ્લા પંચાયત કચેરીને કરવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર