જૂનાગઢ 26 જૂન (હિ.સ.) તાજેતરમાં આકર્ષક ફેશન શો અને હસ્તકલા પ્રદર્શન (એક્ઝિબિશન) ૨૦૨૫ નું આયોજન જૂનાગઢ સરકારી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં અત્રેની સંસ્થાની પ્રતિભાશાળી તાલીમાર્થીઓએ ખુબ જ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાપેઢીને નવીનતમ ઢબે ફેશન પ્રેરણા આપવાનો તેમજ હસ્તકલા અને ઘરગથ્થું ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો છે. જેના થકી આત્મનિર્ભર ભારત મુહીમને પ્રોત્સાહન મળશે.
આ શો દરમિયાન સંસ્થાની તાલીમાર્થી બહેનોએ પશ્ચિમી (વેસ્ટર્ન) અને ટ્રેડિશનલ (ભારતીય) વસ્ત્રોમાં રેમ્પ પર વોક કર્યું હતું. જેમાં કલાત્મકતા સાથે પરંપરાનું મિશ્રણ જોવા મળ્યું હતું. મહિલાઓએ પોતાની જાતે બનાવેલા વેસ્ટર્ન અને ટ્રેડિશનલ વસ્ત્રો પહેરીને રેમ્પ પર વોક કરીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ ઉપરાંત તાલીમાર્થીઓ દ્વારા અલગ અલગ વિષય પર પ્રોજેક્ટ બનાવીને એક્ઝિબિશન રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જૂનાગઢ નોડલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્ય ભગીરથસિંહ જાળીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી પ્રિયેશ વાળા, ફોરમેનશ્રી મોરવાડિયા અને તમામ સ્ટાફ ગણે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તેમજ પ્રદર્શનમાં હેન્ડમેડ જ્વેલરી, ટેક્સટાઇલ, હોમ ડેકોર અને અન્ય આકર્ષક વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરી શકાય તેવી વસ્તુ મૂકવામાં આવી હતી. જે તાલીમાર્થી બહેનોએ પોતાની વર્ષ દરમ્યાનની તાલીમમાં શીખીને જાતે બનાવીને પ્રદર્શનીમાં રજુ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કુલ પાંચ પ્રકારના રોજગારલક્ષી અભ્યાસક્રમો જેમાં કોમ્પ્યુટર, ફેશન ડિઝાઇનિંગ, બ્યૂટી પાર્લર, સીવણ અને ફિઝિયોથેરપી શીખવવામાં આવે છે. આ કોર્ષ દરમ્યાન શિષ્યવૃતિ, સ્ટાઈપેન્ડ અને બસ પાસ જેવી વિવિધ યોજનાઓનો લાભ પણ આપવામાં આવે છે. જેમાં ખાસ કરીને મહિલાઓ વિવિધ પ્રકારની તાલીમ મેળવીને આત્મનિર્ભર બને, રોજગારીનું સર્જન કરી શકે તે માટે અત્રેની મહિલા આઈ.ટી.આઈ. માં હાલમાં વિવિધ પ્રકારની તાલીમ આપવામાં આવી રહી છે.
આ તમામ યોજનાઓનો જૂનાગઢની મહિલાઓ મહતમ પ્રમાણમાં લાભ મેળવે તેમ અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ સરકારી મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ