પાટણ, 26 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. પાટણ શહેર તેમજ માતરવાડી, ગોલાપુર, અનાવાડા અને ચંદ્રુમાણા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ નોંધાયો છે. જિલ્લાભરમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સવારથી સતત વરસતા વરસાદને કારણે શાળાએ જતા બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. કામ અર્થે નીકળેલા લોકોએ છત્રી અને રેઈનકોટનો સહારો લેવો પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોના માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.
લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આશાનું કિરણ જગ્યું છે. વરસાદની શરૂઆતથી ખેતરોમાં વાવણી માટે અનુકૂળ પરિસ્થિતિ ઉભી થઈ છે. હવે ખેડૂતો આગામી દિવસોમાં વધુ વરસાદની આશા રાખી રહ્યા છે. આ વરસાદી મોસમથી પાટણ જિલ્લામાં પાણીની સમસ્યામાં રાહત મળવાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર