પાટણ, 26 જૂન (હિ.સ.)પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2025ની ઉજવણી ધામધૂમથી શરૂ થઈ છે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર તાલુકાના રાજપુર, કમલીવાડા અને પાટણ તાલુકાના ખોડિયારપુરા ગામોમાં કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. શાળાના પટાંગણમાં મંત્રીશ્રીનું કુમકુમથી સ્વાગત કરવામાં આવ્યું હતું, તથા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
HUDKOના નિયામક કે.સી. પટેલે પ્રેરક ઉક્તિ આપતાં શિક્ષણનું મહત્વ ઉજાગર કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિજ્ઞાન અને પર્યાવરણ જેવા વિષયો પર જ્ઞાનવર્ધક વક્તવ્ય આપ્યા હતા. શાળાના દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ તકે મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, 2003માં જ્યારે પ્રવેશોત્સવ શરૂ થયો ત્યારે ડ્રોપઆઉટ રેશિયો 37% હતો, જે આજે નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે.
મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યના 400 જેટલા ઉચ્ચ અધિકારીઓ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક સ્થિતિને મજબૂત બનાવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સ્માર્ટ ક્લાસ રૂમની વ્યવસ્થા હાથ ધરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કે.સી. પટેલ, વિવિધ સંગઠનના આગેવાનો, શાળાના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને શાળાના પરિસરમાં હરિયાળી વધારવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર