જૂનાગઢ 28 જૂન (હિ.સ.) સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ બાલાજી કેળવણી મંડળ સંચાલિત જ્ઞાન શક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અન્વયે બાળકોને વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. ઉજવવળ ભવિષ્ય અને ભારતનું નિર્માણ કરતા નાના નાના ભુલકાંઓએ તાળીઓના ગડગડાટને વચ્ચે શિક્ષણ તરફ પ્રથમ પા પા પગલી માંડી હતી. જેના વિવિધ અધિકારીગણ અને શાળાના સટાફ મિત્રોએ વધાવી લીધી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વડે કરાઈ હતી. ત્યારબાદ ભૂલકાઓએ સુંદર પ્રાર્થના ગીત અને મહેમાનોને પુસ્તક આપીને હાર્દિક અભિવાદન કર્યું હતું. આ ઉપરાંત બાળકોએ તેમની કાલી ઘેલી ભાષામાં સાંપ્રત સમયની સમસ્યાઓ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. આ તકે પ્રથમ ક્રમાંક મેળવેલા બાળકોને મંચસ્થ મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
વધુમાં, મંચસ્થ મહેમાનો દ્વારા શિક્ષણની કેડી ઉપર પોતાનું પ્રથમ કદમ મુકવા જઈ રહેલા બાળકોને સ્કૂલ બેગ, સ્ટેશનરી, ગણવેશ અને પાઠયપુસ્તકો આપીને વિદ્યા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ તકે ગાંધીનગર- રાજ્ય સરકારમાંથી શ્રીમતી જાગૃતિબેન સુથાર, મહેન્દ્રભાઈ, હેતલબેન પંડયા, જોશી અને સોની સહિતના સંસ્થાના કર્મયોગીઓ અને મહેમાનો હાજર રહ્યા હતા અને ઉપસ્થિત સર્વે બાળકોને જીવનમાં સતત આગળ વધવાનો, હંમેશા નવું નવું શીખવાની, જિજ્ઞાસાવૃત્તિ કેળવવાની, પોતાના માતા-પિતા સહિત સમાજનું નામ રોશન કરવાની અને દેશનું ઉજવળ ભવિષ્ય નિર્માણ કરવાની શીખ આપી હતી અને જેને બાળકોએ ખુબ જ ધ્યાનથી સાંભળી હતી.
કાર્યક્રમના અંતે શાળાના સ્ટાફ મિત્રો દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી અને શાળાના સુંદર પરિસરમાં આ તકને કાયમી રીતે સંભારણું બનાવવાના ઉદેશ્યથી વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ તકે શાળાના સ્ટાફ મિત્રો, બાળકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ