અમદાવાદ, 29 જૂન (હિ.સ.) : અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના રેથલ અને માણકોલ ગામમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી.
આ તાલીમમાં ખેડૂતોને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના અમદાવાદ જિલ્લાના પ્રોજેકટ મેનેજર નિશાબહેને ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની કામગીરી અંગે માહિતી આપી હતી. એગ્રી આસિસ્ટન્ટ અલ્પાબાએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર કાશીરામભાઈ વાઘેલાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો પર અને પ્રાકૃતિક ખેતીમાં ગાયના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ ઉપરાંત, આ તાલીમમાં ખેડૂતોએ કિચન ગાર્ડન વિશે વિશેષ માહિતી મેળવી હતી. દરેક ખેડૂત પોતાના ખેતરમાં, વાડીમાં કે ઘરઆંગણે પ્રાકૃતિક રીતે શાકભાજી ઉગાડે અને બીજા ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી ચોમાસામાં થતાં વિવિધ 16 પ્રકારના શાકભાજીના બિયારણની કિટનું ખેડૂતોને વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તાલીમમાં ખેડુતોના પ્રશ્નોના સંતોષપૂર્ણ જવાબો આપવામાં આવ્યા હતા.
આ તાલીમમાં તાલુકા મેનેજર રાજભાઈ, માર્કેટિંગ પ્લાનિંગ એન્ડ પ્રમોશન કન્સલટન્ટ રીતિકાબહેન, ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર વિજય સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ