અમદાવાદ, 28 જૂન (હિ.સ.)- વિસાવદરમાં વિધાનસભા ચૂંટણી જીતેલા આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ કહ્યું, વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જનતાએ સીઆર પાટીલને શરમજનક રીતે અને ભુંડી રીતે હરાવ્યા એ વાતથી તેમને ગુસ્સો આવ્યો છે. સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા પર બંદૂક રાખી અને આ આખો કાંડ કરાવી રહ્યાં છે. મારી સીઆર પાટીલને એક જ ચેલેન્જ છે કે ગુજરાતમાં ધારાસભ્યો તોડવા-ખરીદવા-ફોડવાની દુકાન માત્ર સીઆર પાટીલ ચલાવે છે. ઉમેશ મકવાણા જો ભાજપમાં જવાનો અથવા આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા રહી ભાજપનું કામ કરવાનું વિચારતો હોય તો તેની પાછળનો દોરી સંચાર સીઆર પાટીલના હાથમાં છે.
ગોપાલ ઇટાલિયાએ સીઆર પાટીલને ચેલેન્જ આપતા કહ્યું કે, સીઆર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે આ બધા કૃત્ય કરવાના બદલે પાટીલમાં હિમ્મત હોય તો ધારાસભ્ય ઉમેશ મકવાણા પાસેથી એકવાર રાજીનામું અપાવી દે અને આવે બોટાદની ચૂંટણીમાં પછી જોઇએ કે સીઆર પાટીલમાં કેટલો દમ છે. વિસાવદર વિધાનસભા ચૂંટણીની ખીજ-દાજ સીઆર પાટીલ કોકના ખભે રાખીને ઉતારે છે એટલે ધારાસભ્ય રાજીનામું આપી દે પછી જોઇએ કે શું થાય છે.પાટીલના દમ પર ઉમેશ મકવાણા મોટી મોટી વાતો કરે છે. પાટીલની જે સ્ક્રિપ્ટ આવે તે પ્રમાણે ઉમેશ મકવાણા બોલે છે.
બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલા ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના દંડક-જોઇન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે