પાટણ, 28 જૂન (હિ.સ.) : પાટણની શ્રીમતી કેસરબાઈ કીલાચંદ સરકારી કન્યા વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાયો હતો. કાર્યક્રમમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના રીજીયનલ કમિશનર બી.એમ. પટેલ (IAS) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.
આ વર્ષે શાળામાં ધોરણ 9માં 189 અને ધોરણ 11માં 90 વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો છે. કુલ મળીને 533 વિદ્યાર્થીનીઓએ પ્રવેશ લીધો છે, જે છેલ્લા દસ વર્ષમાં સર્વોચ્ચ છે. ગત વર્ષની તુલનામાં પ્રવેશમાં 25 ટકાનો વધારો નોંધાયો છે.
શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ, વ્યવસાયલક્ષી શિક્ષણ, 24 કલાક સિક્યુરિટી, અદ્યતન STEM લેબ, કમ્પ્યુટર લેબ, ફિટનેસ જીમ અને વિશાળ વાંચનાલય જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક શિક્ષણ સાથે સાથે સાયકલ સહાય અને નમો લક્ષ્મી યોજનાનો લાભ પણ આપવામાં આવે છે. ‘એક પેડ મા કે નામ’ કાર્યક્રમ હેઠળ વૃક્ષ વિતરણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર