પાટણ, 30 જૂન (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં PhD પ્રવેશ માટેની પરીક્ષા સોમવારથી શરૂ થઈ છે, જે ત્રિદિવસીય કાર્યક્રમ હેઠળ 2 જુલાઈ સુધી ચાલશે. યુનિવર્સિટી દ્વારા 26 વિષયોમાં કુલ 584 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે.
પરીક્ષા કોમ્પ્યુટર સાયન્સ ભવનમાં ઓનલાઈન MCQ પદ્ધતિથી યોજાઈ રહી છે. ત્રણ દિવસમાં કુલ 9 સેશન રહેશે અને દરેક સેશન દોઢ કલાકનો રહેશે. દરેક સેશનમાં 7 લેબમાં 25-25 વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ દિવસના સેશનમાં કેમેસ્ટ્રી, બોટની, બાયોટેક, ઝૂઓલોજી, એકાઉન્ટ, માઈક્રોબાયોલોજી, ફિઝિક્સ, એજ્યુકેશન અને ફિઝિકલ એજ્યુકેશન જેવા વિષયોની પરીક્ષા લેવાઈ રહી છે.
PhD પ્રવેશ સમિતિના કો-ઓર્ડિનેટર ડૉ. આશિષ પટેલ અનુસાર, પ્રથમ દિવસે 75% વિદ્યાર્થીઓએ હાજરી આપી છે. 100 માર્ક્સની પરીક્ષા માટે ઓપન કેટેગરીના ઉમેદવારોને ઓછામાં ઓછા 50 અને અનામત કેટેગરીના ઉમેદવારોને 45 ગુણ મેળવવા ફરજિયાત છે. પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ તેમનું પરિણામ તરત જ કોમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર