પાટણ, 7 જૂન (હિ.સ.) : પાટણ જિલ્લામાં રાઈટ ટુ એજ્યુકેશન (RTE) અંતર્ગત ત્રીજો પ્રવેશ રાઉન્ડ જાહેર કરાયો છે. જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% અનામત હેઠળ કુલ 1019 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ત્રીજા રાઉન્ડની 21 બેઠકો સહિત કુલ 977 બેઠકો પર પ્રવેશ ફાળવાઈ ચૂક્યો છે.
પ્રથમ રાઉન્ડમાં 978 બેઠકો સામે 894 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. બીજા રાઉન્ડમાં 83 બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા 28 મેના રોજ પૂરી થઈ હતી, જેમાંથી 62 બાળકોને પ્રવેશ મળ્યો હતો. પાંચ બાળકોના વાલીઓ પ્રવેશ લેવા આવ્યા નહોતા અને 16એ શાળાની પસંદગી કરી નહોતી.
બાકી રહેલી 63 બેઠકોમાંથી 21 બેઠકો માટે ત્રીજો રાઉન્ડ જાહેર કરાયો છે. કેટલીક શાળાઓમાં વાલીઓની અરુચિને કારણે બેઠકો ખાલી રહી છે. ત્રીજા રાઉન્ડમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓના વાલીઓએ 6 થી 13 જૂન દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે સંબંધિત શાળામાં જઈને પ્રવેશ લેવા પડશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર