સુરત, 7 જૂન (હિ.સ.) : ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી મોટો સાયબર ફ્રોડ સામે આવ્યો છે, જેમાં RBL બેંકના 90 ખાતાઓમાંથી માત્ર છ મહિનામાં આશરે ₹1,445 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાના ચોંકાવનારા ખુલાસા થયા છે. સુરતની ઉધના પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક મોપેડ ચાલકને રોક્યો અને તપાસ કરતાં મોટા કૌભાંડનું ભાંડાફોડ થયો. આરોપીઓ લોકોની લોનની જરૂરિયાતનો લાભ લઈને તેમની પાસેથી ડોક્યુમેન્ટ એકત્રિત કરતા અને બેંક ખાતા ખોલાવતા. આ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર માટે કરવામાં આવતો હતો, જેના વિશે ખાતાધારકને જાણ પણ ન હોય.
હાલ ઉધના પોલીસને 165 જેટલા બેંક એકાઉન્ટ મળ્યા છે, જેમાંથી RBL બેંકના 90 ખાતાઓમાં આટલા કરોડ રૂપિયાના વ્યવહારો થયા છે, જ્યારે બાકીના ખાતાઓની તપાસ ચાલુ છે. આરોપીઓમાં કીરાટ જાદવાણી, મિત ખોખર, અને મયુર ઇટાલિયાની ધરપકડ થઈ છે. સાથે જ દિવ્યેશ વિનીત અને રિચ પે આઈડી ધારક જેવા અન્ય મુખ્ય શંકાસ્પદો સામે પણ તપાસ ચાલી રહી છે.
આ કેસ માત્ર ગુજરાત સુધી સીમિત નથી રહેતો, સમગ્ર દેશમાં ફેલાયેલું મોટું નેટવર્ક હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસનું માનવું છે કે આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસાઓ થઈ શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે