પાટણ, 8 જૂન (હિ.સ.) : જૂન 2023માં પાટણના કોમ્પ્યુટર સેલ્સ સર્વિસના માલિક પંકજભાઈ ગાંધી સાથે ₹1.29 કરોડની છેતરપિંડી થઈ હતી. આરોપીઓએ 'આઈ એમ લંડન' એરલાઈન્સ રિટર્નિંગ કંપનીના નામે મેસેજ અને લિંક મોકલી, બિઝનેસમાં રોકાણના બહાને મોટી રકમ પડાવી હતી. આ કેસમાં હવે રાજકોટના આશિષ લિબાસિયાની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં ખુલ્યું હતું કે તેણે 15 જુલાઈ 2023ના રોજ દુબઈથી HDFC બેંકના બે એકાઉન્ટમાંથી નાણાં ઉપાડ્યા હતા. આ માહિતી વિવેક ભાલિયા અને યશ પટેલના નિવેદન અને બેંક સ્ટેટમેન્ટના આધારે સામે આવી છે.
આશિષ લિબાસિયાને પાટણની જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે રિમાન્ડ અને જામીન બંને નામંજૂર કર્યા હતા. કોર્ટે જણાવ્યું કે આરોપીની ગુનામાં સંડોવણી સ્પષ્ટ દેખાય છે અને જામીન આપવાથી તે ફરી ગુનો કરી શકે છે. આરોપી પાસે બેંક એકાઉન્ટ કિટ લઈ જવાની અને વિદેશમાંથી નાણાં હેરફેર કરવાની ટેવ હોવાને પગલે, પોલીસે હવે વધુ તપાસ શરૂ કરી છે કે તેણે દુબઈથી ઉપાડેલા નાણાં કોને આપ્યા અને કયા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર