પાટણ, 8 જૂન (હિ.સ.) : પાટણ એલસીબી પોલીસે 9 મહિનાથી ફરાર હીરા જ્વેલર્સના માલિક મહેન્દ્રભાઈ સોની અને તેમના પુત્ર હિતેશ સોનીને પાટણ શહેરમાંથી ઝડપી લીધા છે. આરોપીઓએ લક્કી ડ્રો અને સુવર્ણ બચત યોજના હેઠળ લોકો સાથે રૂ. 40.36 લાખની છેતરપિંડી આચરી હતી. પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, જૂન 2020માં પાટણના મેઈન બજારમાં આવેલ હીરા જ્વેલર્સ દુકાનમાંથી બંને આરોપીઓએ લોભામણીઓ યોજનાઓ શરૂ કરી હતી. જેમાં તેમણે લોકો પાસેથી કુલ 160.750 ગ્રામ સોનું (અંદાજે 8.50 લાખ રૂપિયા) અને રોકડ રૂ. 31.86 લાખ એકત્ર કરી છેતરપિંડી કરી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયકના માર્ગદર્શન હેઠળ, સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીને ધ્યાને લઇને એલસીબી પીઆઈ આર.જી. ઉનાગરની ટીમે વિશેષ ઝુંબેશ ચલાવી હતી. બાતમીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડી, આગળની કાર્યવાહી માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર