શૈક્ષણિક અને તાલીમ સહયોગ માટે, ગુજરાત પોલીસે એન.એફ.એસ.યુ. સાથે સમજૂતી કરાર કર્યા
ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : ગુજરાત પોલીસે શૈક્ષણિક અને તાલીમ સહયોગ માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સાથે NFSUના ગાંધીનગર કેમ્પસમાં તા.5 જૂન, 2025 ના રોજ સમજૂતી કરાર (MoU) કર્યા હતા. ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) ગગનદીપ ગ
એન.એફ.એસ.યુ.


ગાંધીનગર, 8 જૂન (હિ.સ.) : ગુજરાત પોલીસે શૈક્ષણિક અને તાલીમ સહયોગ માટે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) સાથે NFSUના ગાંધીનગર કેમ્પસમાં તા.5 જૂન, 2025 ના રોજ સમજૂતી કરાર (MoU) કર્યા હતા.

ગુજરાત રાજ્યના પોલીસ મહાનિરીક્ષક (વહીવટ) ગગનદીપ ગંભીર (આઈપીએસ) અને એનએફએસયુ-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) એસ.ઓ. જુનારે દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ વિશિષ્ટ સમજૂતી કરાર બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ વચ્ચે શૈક્ષણિક સહયોગ, ક્ષમતા નિર્માણ, ટેકનિકલ સપોર્ટ અને માર્ગદર્શન અને અદ્યતન તાલીમને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

આ સમજૂતી કરારના મુખ્ય ઉદ્દેશ્યોમાં ફોરેન્સિક વિજ્ઞાન, સાયબર સિક્યોરિટી, બિહેવિયરલ સાયન્સ અને સંલગ્ન ક્ષેત્રોમાં ગુજરાત પોલીસ અધિકારીઓ માટે સંયુક્ત તાલીમ અને કૌશલ્ય વિકાસ કાર્યક્રમો યોજાશે; ફેકલ્ટી, વૈજ્ઞાનિકો અને પોલીસ અધિકારીઓ વચ્ચે જ્ઞાન અને કુશળતાનું આદાનપ્રદાન થશે; ડિજિટલ ફોરેન્સિક્સ અને કાયદા અમલીકરણ તકનીકોના ક્ષેત્રોમાં સહયોગી સંશોધન કરાશે; ગુજરાત પોલીસ એકમો સાથે NFSU વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશિપ અને ફિલ્ડ તાલીમની તકો વધશે; પરસ્પર સહયોગથી વિસ્ફોટકો અને બેલિસ્ટિક સામગ્રીના વ્યાવસાયિક ક્ષમતા-નિર્માણ ક્ષેત્રે પણ મહત્ત્વપૂર્ણ કાર્ય થશે અને બંને સંસ્થાઓ સાથે મળીને પરિસંવાદ, સંમેલન સહિતનું આયોજન પણ કરશે.

આ પ્રસંગે NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસે, ફોરેન્સિક ક્ષમતા નિર્માણ અને વૈજ્ઞાનિક ઢબે તપાસ સહિતની ક્ષમતાઓ વધારવામાં શૈક્ષણિક સંસ્થાઓ અને લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ વચ્ચે સતત ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો અને તેનાથી કાયદાનું અમલીકરણ વધુ મજબૂત થશે, એમ પણ ઉમેર્યું હતું. IGP ગગનદીપ ગંભીરે, ગુનાઓની તપાસ દરમિયાન આવતા પડકારોનો સામનો કરવા અને જાહેર સલામતી માટે અદ્યતન ટેકનોલોજીની જરૂરિયાતને પહોંચી વળવા માટે પારસ્પરિક સહયોગ અત્યંત મહત્ત્વનો છે, એમ જણાવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande