સુરત, 8 જૂન (હિ.સ.)-રવિવારના દિવસે ગુજરાતમાં ઘટેલા માર્ગ અકસ્માતોની શ્રેણીમાં વધુ એક દુખદ ઘટના નોંધાઈ છે. બારડોલી-માંડવી રોડ પર કડોદ નજીક એક બાઇકસવાર ટેમ્પો ઓવરટેક કરવા જઈ રહ્યો હતો, ત્યારે તેનું બેલેન્સ લથડી જતા તે ટેમ્પાની પાછળના ભાગે આવી ગયો અને ઘટનાસ્થળે જ તેનું કરુણ મોત થયું.
પ્રાપ્ત વિગતો અનુસાર, કામરેજ ડુંગરાના રહેવાસી સાજન રાઠોડ પુરપાટ ઝડપે બાઇક ચલાવતા હતા. ઓવરટેક કરવાના પ્રયાસ દરમિયાન બાઇક અચાનક ટેમ્પાની પાછળ અથડાઈ ગઈ. ટક્કર એટલી ગંભીર હતી કે સાજનભાઇનું માથું સીધું ટેમ્પાની નીચે આવી ગયું અને ઘાતક ઈજાના કારણે તેમનું તત્કાળ મૃત્યુ થયું.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે પોલીસે તપાસ માટે કબજે લીધી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે