વડોદરા, 9 જૂન (હિ.સ.)- વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આજે સવારે ઘાટક બાઈક અકસ્માતની ઘટના બની હતી. આકાશવાણીની પાછળ રૂપલ સોસાયટીમાં રહેતા સુબહેન્દુભાઈ ભૌમિત અને તેમની પત્ની દીપ્તિબેન ટ્યુશન ચાર રસ્તા પાસેથી જ્યુપિટર ચોકડી તરફ જઈ રહ્યા હતા ત્યારે ડિવાઈડરના કટ પાસે વળાંક લેતા જ સામેથી પૂર ઝડપે આવતી બાઈક સાથે ટક્કર થઈ.
ટક્કર એટલી ભયાનક હતી કે દંપતી સહિત અન્ય બાઈકની પાછળ બેઠેલા અજય પઢીયાર (રહે. પાદરા) ત્રણેયને માથામાં ગંભીર ઈજાઓ થતા તેઓ બેભાન અવસ્થામાં રોડ પર પડી ગયા હતા. તાત્કાલિક ત્રણેયને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માત સર્જનાર બાઈક ચાલક ઘટના સ્થળેથી બાઈક છોડી ફરાર થઈ ગયો હતો. હાલમાં માંજલપુર પોલીસ સ્ટેશન દ્વારા બાઈકના નંબરના આધારે આરોપીની ઓળખ કરીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
સ્થાનિક લોકોએ માર્ગ સુરક્ષા માટે ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારા લાવવાની માંગ ઉઠાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે