પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં PM કિસાન યોજના અંતર્ગત ખેડૂત નોંધણી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં જિલ્લાના 1,37,613 ખેડૂતો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે હજુ 49,788 ખેડૂતોની નોંધણી બાકી છે. આ નોંધણી માટે ખેડૂતોને 14 જુલાઈ 2025 સુધીનો સમય આપાયો છે.
ખેતીવાડી અધિકારીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક મહિનાથી તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ નોંધણી ઝુંબેશ ચાલી રહી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જો નોંધણી નહીં થાય તો એવા ખેડૂતોને શંકાસ્પદ માનવામાં આવી શકે છે અથવા તેમને અપાત્ર જાહેર કરી દેવામાં આવશે. નોંધણીના આધારે આગામી સરકારી યોજનાનો લાભ મળતો રહેશે.
ખેડૂતોએ ગામના VCE, CSC સેન્ટર, ગ્રામસેવક અથવા તલાટી પાસેથી નોંધણી કરાવી શકે છે. નોંધણી માટે 7/12 ઉતારો અને આધાર કાર્ડ જરૂરી છે. આધાર સાથે મોબાઈલ નંબર લિંક હોય તો સરળતાથી નોંધણી થઈ શકે છે, અન્યથા બાયોમેટ્રિક અથવા ફેસ રિકગ્નિશનથી પણ નોંધણી શક્ય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર