પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : પોરબંદર સાંદિપની ખાતે ભાગવત કથાકાર, પ્રવચનકાર અને શિક્ષણ ક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની દિવ્ય પ્રેરણાથી આયોજીત ગુરુ ગૌરવ એવોર્ડ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહભાગી બન્યા હતા અને શિક્ષણના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુરુજનોને ‘ગુરુ ગૌરવ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “આજે હું અહીં વિદ્યાર્થી ભાવ સાથે આવ્યો છું અને અનેક વાતો શીખવા મળી છે. મહાનુભાવોનું સન્માન થતું જોઈને સમજાયું કે જીવરેડવા જેવી પ્રવૃત્તિઓ કેવી રીતે કાર્યરત બને છે. આ કાર્યક્રમ માટે પૂજ્ય ભાઈશ્રીએ સાચે અર્થમાં જીવરેડયો છે.”
તેમણે જણાવ્યું કે, ગુરુતત્વને વંદન કરવાનો મહિમા વધારવો જોઈએ. રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે જે પરિવર્તન લાવવામાં આવી રહ્યા છે, તે માત્ર માહિતીલક્ષી નહીં પરંતુ જ્ઞાનલક્ષી શિક્ષણની દિશામાં સકારાત્મક પગલાં છે અને તે ઊગતા પ્રભાતની લાલાશ અહીં જોઇ શકાય છે.
પોતાની જાપાન યાત્રાના પ્રસંગને યાદ કરતાં કહ્યું હતું કે, “વિશ્વયુદ્ધ પછી જાપાન સંપૂર્ણપણે તૂટી ગયો હતો. પણ જાપાનએ ફરી ઊભા થવા માટે સૌથી પહેલા શિક્ષણ ક્ષેત્રે રોકાણ કર્યું. આજે આપણે જોઈ શકીએ છીએ કે જાપાન અગ્રગણ્ય તાકાત તરીકે ઊભું છે — તેના પાયા હેઠળ ‘શિક્ષણ’ છે.”વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ એ કોઈપણ રાષ્ટ્રના પુનર્નિર્માણ અને પ્રગતિ માટેનો આધારસ્તંભ છે. આજના શિક્ષક જ આવતી કાલના સમાજનું પ્રતિબિંબ છે.
પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ શિક્ષણક્ષેત્રના મહાનુભાવોનું ભાવપૂજન થતાં હર્ષ અને શાંતિના અનુભવો વ્યક્ત કરતા કહ્યું કે, “આ સમારોહ મને નવી ઉર્જા આપી રહ્યો છે. જ્યારે શિક્ષણને કેન્દ્રમાં રાખી ગુરુઓનું આદર થાય ત્યારે એ આપણી સંસ્કૃતિની ઊંડાણ દર્શાવે છે.”પૂજ્ય ભાઈશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, “નેશન બિલ્ડિંગ માટે કેરેક્ટર બિલ્ડિંગ અનિવાર્ય છે અને કેરેક્ટર બિલ્ડિંગ માટે સાચું શિક્ષણ જરૂરી છે અને તે માત્ર ને માત્ર શિક્ષક જકરી શકે છે તેમણે જણાવ્યું હતું કે બીજ જેમ માટીમાં સમાઈને અનેક વૃક્ષોનું કારણ બને છે, તેમ કોઈ વ્યક્તિ જ્યારે પોતાના વ્યક્તિગત સ્વાર્થ કરતા સમાજ માટે કાર્ય કરે છે, ત્યારે એ વ્યક્તિનું યશ અનેકગણું થાય છે એમ શિક્ષક અનેકમાં ઉગે છે અને અનેકમાં જીવે છે.
વધુમાં તેમણે રાજ્યસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવતાં સામાજિક, શૈક્ષણિક અને પર્યાવરણ સંરક્ષણ સહિતનાં કાર્ય અંગે રાજીપો વ્યક્ત કર્યો હતો.આ દરમ્યાન આદિવાસી સંસ્કાર મંડળ, ગણદેવીના ભગુભાઈ નાગરજી દરજીને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, ભાવનગરના ડૉ. મહેન્દ્રસિંહ પરમારને શ્રેષ્ઠ ગુરુ ગૌરવ એવોર્ડ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગર (પ્રતિનિધિ નિખિલેશભાઈ દેસાઈ અને જયશ્રીબેન દેસાઈ) ને ઉતમ વિદ્યામંદિર એવોર્ડથી ભાવપૂજન કરવામાં આવ્યું હતું.આ સિવાય આ વર્ષે સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં ઉત્તમ કાર્ય કરનારા શાસ્ત્રી ચંદ્રકાંત કપિલાશંકર ભટ્ટનું તેમજ પ્રાથમિક શિક્ષણમાં વિશેષ યોગદાન આપનારા ભાવનગરના હિરેનભાઈ ભટ્ટનું પૂજ્ય ભાઈશ્રી તથા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા ભાવપૂજન કરવામાં આવ્યું હતું.આ સાથેજ સરકારી પ્રાથમિક શાળામાં નવી શિક્ષણનીતિ અનુસાર નવી પ્રવૃત્તિઓ દ્વારા ઉત્તમ શિક્ષણ આપનારા 30 જેટલા શિક્ષકોનું ગુરુ ગૌરવ એવોર્ડ દ્વારા પૂજ્ય ભાઈશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.આ અવસરે સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’ ચયન સમિતિના ગીજુભાઈ ભરાડ, ચયન સમિતિના સભ્ય અને જીસીઆરટીના પૂર્વ નિયામક નલીનભાઇ પંડિત, અરજણભાઈ કાનગડ સહિતના સમિતિના સભ્યોઓ, સાંદિપની ‘ગુરુ ગૌરવ એવોર્ડ’થી સન્માનિત થનાર ગુરુજનો, અન્ય શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા મહાનુભાવો અને સાંદિપની ગુરુકુલના ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya