પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : નિયામક આયુષની કચેરી અને જિલ્લા આયુર્વેદ અધિકારીની સૂચનાથી આયુર્વેદ દવાખાના ફટાણા દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાને લઈને આયુર્વેદ અમૃત પેય ઉકાળાનું વિતરણ સોઢાણા ગામ ખાતેની સ્કૂલોમાં કરવામાં આવ્યું હતું. આયુર્વેદ દવાખાના મેડિકલ ઓફિસર ડો. જયમલ ઓડેદરા દ્વારા જણાવ્યું કે આયુર્વેદિક ઉકાળો અમૃત સમાન છે. રોગ પ્રતિકારક શક્તિ દ્વારા સંક્રામક રોગો એટલે કે વાયરલ ડીસીઝ તથા ચેપી વ્યાધિઓ સામે રક્ષણ મેળવી શકાય છે. રોગ પ્રતિકારક શક્તિને જાળવી રાખવા માટે આયુર્વેદના વિવિધ ઔષધો જેવા કે, ગળો, ધાણા, રક્તચંદન, લીમડાની અંતરછાલ, પદમકાષ્ઠ-ગુડુચ્યાદી ક્વાથ,બૃહત દ્વફ(ઉભી તથા બેઠી ભોરીંગણી), ગોક્ષુર, બિલ્વ, અરણી, શ્યોનક(અરડુસો), પાટલા (શીવણી),ગંભારી (કાળીપાટ), દશમૂળ કવાથ ઉપરાંત સુદર્શન ચૂર્ણ, ત્રિકુટ ચુર્ણ, પીપરીમુલ વગેરે દ્રવ્યોનો સમાવેશ થાય છે. ઉકાળો ખાસ બાળકો ને પીવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સોઢાણા ગામના આરોગ્ય કર્મચારી અજયભાઇ ગોહેલ(MPHW) દ્વારા આયુર્વેદ અમૃત પેય ઉકાળાનું વિતરણ સોઢાણાની સ્કૂલોમાં કરવામાં આવ્યું હતું અને આ ઉકાળાનું વિતરણ બાળકોને ચોમાસા દરમ્યાન થતા વાયરસ જન્ય રોગો શરદી, તાવ, કફ, ઝાડા, મરડો, પેટમાં દુઃખવું જેવા રોગો સામે રક્ષણ મળે એ હેતુથી વિતરણ કરવામા આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ઉપચારોથી જઠરાગ્નિ પ્રદિપ્ત થવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. રોગ પ્રતિકારક શક્તિ વધવાથી સ્વાઇનફલૂ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા, ટાઇફોઇડ વિગેરે સંક્રામક રોગોની સામે રક્ષણ મેળવી શકયા છે, મટાડી શકાય છે. અને અનેક ઔષધિઓથી બનતો ઉકાળો રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya