પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : ગુરૂપુર્ણીમાના પાવન અવસરે ગુરૂ પુજાની સાથોસાથ પ્રકૃતિને ગુરૂ માની વૃક્ષારોપણ કરી ગુરૂપુર્ણીમાની ઉજવણી કરવા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટે અપીલ કરી છે. પોરબંદરની હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ ગુરૂપુર્ણીમાના અવસરે પોરબંદરવાસીઓને સુચન કરતા જણાવ્યું છે કે, ગુરૂપુર્ણિમાએ ભારતીય સંસ્કૃતિમાં ખુબ જ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતો તહેવાર છે. આ દિવસે ગુરૂજનોની પુજા-અર્ચના કરવામાં આવે છે, કારણ કે ગુરૂ જ્ઞાન, માર્ગદર્શન અને પ્રેરણાના સ્રોત છે.પરંતુ આજે આપણે જ્યારે પર્યાવરણીય સંકટોનો સામનો કરી રહ્યા છીએ,ત્યારે પ્રકૃતિ અને પર્યાવરણ પણ આપણા સાચા ગુરૂ બની શકે છે.વૃક્ષો આપણા જીવનના આધારસ્તંભ છે,તેઓ આપણને શુદ્ધ હવા, પાણી, છાંયો અને અનંત ઔષધીય ગુણો પ્રદાન કરે છે.આવા પવિત્ર અવસરે જો આપણે પર્યાવરણને ગુરૂ માની વૃક્ષોનું પુજન કરીએ, તો તે ફક્ત એક ધાર્મિક ક્રિયા જ નહી,પરંતુ એક સામાજિક જવાબદારી પણ બનશે.
હિંદુ ધર્મમાં ગુરૂ પુર્ણિમા (વ્યાસ પુર્ણિમા) અષાઢ માસની પુર્ણિમાને મનાવવામાં આવે છે.આ દિવસે મહર્ષિ વેદવ્યાસ, જેઓ ચાર વેદોના સંકલનકર્તા હતા, તેમની પુજા કરવામાં આવે છે. ગુરૂનો અર્થ જ છે અંધકારને દુર કરનાર, એટલે કે જે આપણને અજ્ઞાનતાના અંધારામાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય. પર્યાવરણ પણ આપણને નિરંતર જીવન આપતું અને સંરક્ષણ આપતું રહે છે, તેથી તેને ગુરૂ સમાન માનવામાં આવે તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. વૃક્ષો પૃથ્વીના સાચા ગુરૂ છે,એક વૃક્ષ વર્ષભર ઓક્સિજન આપે છે. કાર્બન ડાયોક્સાઇડ શોષી ગ્લોબલ વોર્મિંગ ઘટાડે છે.વૃક્ષો જમીનનું ધોવાણ રોકી પાણીનું સંરક્ષણ કરે છે. ફળદ્રુપ વૃક્ષો આપણને પોષક ફળો અને ઔષધિઓ આપે છે.વૃક્ષો પક્ષીઓ અને જંગલી પ્રાણીઓને નિવાસ આપે છે. આમ, વૃક્ષો આપણા જીવનના સાચા ગુરૂ છે, કારણ કે તેઓ આપણને બિનશરતી રીતે જીવન આપે છે.
ગુરૂ પુર્ણિમાના પવિત્ર અવસરે આપણે પર્યાવરણને ગુરૂ માની વૃક્ષોનું પુજન કરવું જોઈએ. દરેક વ્યક્તિએ આ દિવસે ઓછામાં ઓછું એક વૃક્ષ રોપવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ અને તેની સંભાળ રાખવી જોઈએ. જો આપણે પર્યાવરણ સાથે ગુરૂ-શિષ્યનો સંબંધ જોડીએ, તો આપણે આગામી પેઢીઓ માટે સ્વચ્છ અને સુરક્ષિત પૃથ્વીની ગેરેંટી આપી શકીશું તેમ રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતુ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya