પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણની સરકારી ઇજનેરી કોલેજમાં 10 જુલાઈના રોજ NSS યુનિટ દ્વારા ગુરુપૂર્ણિમાની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. કાર્યક્રમનું આયોજન NSSના સ્વયંસેવકો દ્વારા કોલેજના આચાર્ય અને NSSના પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગુરુ-શિષ્ય પરંપરાનું મહત્ત્વ ઉજાગર કરવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં NSSના સ્વયંસેવકોએ તમામ પ્રોફેસર્સને તિલક કરીને સન્માનિત કર્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા. ગુરુના મહિમા દર્શાવતા દોહા અને ભજન પણ સ્વયંસેવકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. એક સ્વયંસેવકે ગીતામાં વર્ણવેલ ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધનો અર્થસભર સાર રજૂ કર્યો હતો.
આચાર્યઓ, પ્રોફેસર્સ અને NSSના પ્રોગ્રામ ઓફિસરે વિદ્યાર્થીઓને ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે જ ગુરુ-શિષ્ય પરંપરાને ઉજાગર કરતી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ યોજાઈ હતી, જેનાથી વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને માર્ગદર્શનનું મહત્વ ઊંડું રહ્યું.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર