પોરબંદર, 10 જુલાઈ (હિ.સ.) : પોરબંદર શહેરના પરેશનગર વિસ્તારમાં રહેતી 8 વર્ષની વિહાની જયમીનભાઈ શિંગળીયાનું હૃદય સર્જન યુ.એન. મહેતા હોસ્પિટલમાં સફળતાપૂર્વક થયું છે. આ સર્જરી ‘રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)’ હેઠળ સંપૂર્ણપણે મફતમાં કરવામાં આવી હતી.
વિહાનીના પિતા જયમીનભાઈ શિંગળીયાએ જણાવ્યું કે, બાળપણથી જ વિહાનીનું આરોગ્ય નબળું રહેતું, વજન ન વધતું, વારંવાર તાવ અને નબળાઈની તકલીફ રહેતી હતી. આરોગ્ય વિભાગના આર.બી.એસ.કે.ના સમયસૂચક નિદાન અને સારવારના કારણે તેને યુ.એન. મહેતા હાર્ટ હૉસ્પિટલમાં ઊચ્ચ ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ મફત સર્જરી મળી.આ મામલે પોરબંદર આર.બી.એસ.કે. ટીમના ડૉ. જીતેન્દ્ર મારુ અને ડૉ. રશ્મિ પોપટ દ્વારા વિહાનીના સ્વાસ્થ્ય મુદ્દે સમયસર પગલાં લઈ સંદર્ભ કાર્ડ તૈયાર કરવામાં આવ્યું હતુ. પરિણામે વિહાનીનું હૃદયની તકલીફમાંથી મુક્તિ મળી અને આજે તે સંપૂર્ણ સ્વસ્થ છે – ભણતર કરી રહી છે, હસે છે, રમે છે અને સ્વસ્થ બાળજીવન જીવી રહી છે. વિહાનીના પરિવારજનો દ્વારા સરકાર, આરોગ્ય વિભાગ અને આર.બી.એસ.કે.ના સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. સાથે જ અન્ય જરૂરતમંદ પિતાઓને પણ આ યોજનાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ 0 થી 18 વર્ષના બાળકોના આરોગ્યની સંભાળ માટે કરવામાં આવે છે. જેમાં બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવે છે. જો કોઈ બાળકમાં કોઈ જન્મજાત ખોડ-ખાંપણ હોય અથવા તેને વિશેષ સારવારની જરૂર હોય, તો તેને RBSK હેઠળ નિષ્ણાત તબીબો પાસે મોકલવામાં આવે છે અને વિનામૂલ્યે જરૂરી સારવાર કરાવવામાં આવે છે. જેનાથી રાજ્યનાં અનેક પરિવારોના બાળકોને વિવિધ બીમારીઓમાંથી મુક્ત બન્યા છે અને પરીવારને પણ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya