પાટણ, 10 જુલાઈ (હિ.સ.) : પાટણ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલ ગામ પંચાયતોની ચૂંટણીના પરિણામોમાં કાકોશી ગ્રામ પંચાયતના સરપંચ સૌથી વધુ મતોના માર્જિનથી વિજેતા બનતા ગુરૂવારે કાકોશી ગ્રામ પંચાયત ખાતે સરપંચ મહેશભાઈ ભીખાભાઈ પરમાર , ઉપ સરપંચ હૈદરભાઈ રહીમભાઈ પટાવટ તથા 14 વોર્ડના વિજેતા તમામ સભ્યોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો.
સ્થાનીક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સિધ્ધપુર તાલુકાના કાકોશી ગ્રામ પંચાયતની ચૂંટણી તાજેતરમાં યોજાયેલ જેમાં ગામના કુલ ૧૪ વોર્ડ પૈકી છ વોર્ડના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા અને બાકીના આઠ વોર્ડ અને સરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આ પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં પાટણ જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતિના ચેરમેન નિકિતાબેન પરમારના પિતા મહેશભાઈ ભીખાભાઈ પરમારએ સમગ્ર પાટણ જીલ્લામાં સહુથી વધુ 3730 મતોની સરસાઈથી ભવ્ય વિજય મેળવ્યો હતો અને ગ્રામ પંચાયતના તમામ 14 વોર્ડમાં એમની પેનલના ઉમેદવારો પણ વિજયી બન્યા હોવાથી ગુરૂવારે સવારે કાકોશી ગ્રામ પંચાયત ખાતે સરપંચ , ઉપ સરપંચ તથા 14 વોર્ડના તમામ સભ્યોનો પદ ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમા ફુલહાર અને શાલ થી સન્માન કરાયુ હતુ.આ પ્રસંગે સરપંચે ગામના મૂળભૂત પ્રશ્ર્નો પાણી , રોડ રસ્તા સહીત ગામનાં વિકાસ ને લઇને હંમેશા પ્રયત્નશીલ રહેશે એવુ જણાવ્યુ હતુ.
આ પ્રસંગે ગામના પુર્વ સરપંચ વજીરભાઈ ધુક્કાં , હસનભાઈ , આર.કે ઠાકોર તથા સમસ્ત કકોશી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર