ગાંધીનગર, 11 જુલાઈ (હિ.સ.) : 108 એટલે એક એવી ગાડી જે કોલ મળતાની સાથે મિનિટોમાં દર્દી પાસે સામે ચાલીને જતું સુવિધા યુક્ત દવાખાનુ છે.
હા, મિત્રો અવારનવાર દર્દીઓના જીવન બચાવવાથી માંડી નવા જીવને આ સુંદર દુનિયામાં વેલકમ કરનાર 108નો મેડિકલ સ્ટાફ અને સુવિધાનું કાર્ય ખુબ જ સરાહનીય છે
તા.11, જુલાઈ ના રોજ સવારે 08:25 કલાકે બહિયલ પી.એચ.સી. લોકેશન પર ઈએમટી કમલેશ સોલંકી અને પાઇલોટ રોહીતસિંહ ડ્યુટી પર હાજર હતા. તે સમયે બારીયા (લીલાપુર) ગામના વિક્રમસિંહનો કોલ 108 એમ્બ્યુલન્સ પર પ્રાપ્ત થયો હતો.જેમાં જણાવાયું હતું કે તેમની પત્નીને પ્રસૂતિનો દુઃખાવો શરૂ થયો છે, અને તાત્કાલિક એમ્બ્યુલન્સની જરૂર છે.
કોલ મળતાની સાથે જ એમ્બ્યુલન્સ ટુંક સમયમાં બારીયા ગામે પહોંચીને મહિલાને લઈ હોસ્પિટલ તરફ રવાના થઈ. હોસ્પિટલ તરફ જતા રસ્તામાં દર્દીને વધુ દુઃખાવો થતાં પરિસ્થિતિના આંકલન બાદ એમ્બ્યુલન્સ અટકાવીને એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડિલિવરી કરવાની તૈયારી કરવામાં આવી હતી.
તપાસ દરમ્યાન જણાયું હતું કે, બાળકના ગળામાં નાળ વીંટાઈ ગયો છે. આવા સંજોગોમાં, ERCP ડૉ. મહેશની સલાહ અનુસાર ઈએમટી કમલેશ સોલંકીએ સમયસૂચકતા અને દક્ષતા દર્શાવી નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક કરાવી હતી. ઉલ્લેખની એ છે કે, જે પરિસ્થિતિમાં મહિલાની સફળ ડિલિવરી કરાવવામાં આવી તે પરિસ્થિતિ માં મોટાભાગે સિઝેરિયન કરવાની નોબત આવતી હોય છે. પરંતુ 108 અને તેમના સ્ટાફની સમય સૂચકતા ને કારણે નોર્મલ ડીલેવરી કરી માતા બાળક બંનેનો જે બચાવી લેવાયો હતો.
ડીલેવરી બાદ દીકરાનો જન્મ થતાં જ પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો અને એમ્બ્યુલન્સ સ્ટાફનો મહિલાના પરિવારે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
ડિલિવરી બાદ હેતલબેનને Oxytocin ઇન્જેકશન અને RL 500 ml IV ફ્લૂઈડ આપી તથા બાળકને તાત્કાલિક ઓક્સિજન જેવી જરૂરી સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ બંને માતા-પુત્રને સુરક્ષિત રીતે દેવકરણના મુવાડા પી.એચ.સી.માં દાખલ કરવામાં આવ્યા છે. સાથે સાથે 108 જેવી ઇમરજન્સી સેવા શરૂ કરવા બદલ પરિવારે સરકારશ્રીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યમાં EMT તથા પાઇલોટે ઉત્કૃષ્ટ સેવા આપી અને 108 ઇમર્જન્સી સેવાઓ દ્વારા સમર્પિત સેવા આપવાનો ઉદાહરણરૂપ દાખલો પૂરું પાડ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ